Tokay gecko lizards Seized In Assam: ડિબ્રુગઢમાં ટોકે ગેકો ગરોળીની તસ્કરીનો પર્દાફાશ, ત્રણે તસ્કરો ઝડપાયા અને 11 દુર્લભ ગરોળીઓ જપ્ત
Tokay gecko lizards Seized In Assam: શુક્રવારના રોજ આસામના ડિબ્રુગઢમાં એક મહત્વપૂર્ણ કામગીરી દરમ્યાન રાજ્ય પોલીસે ટોકે ગેકો નામની દુર્લભ પ્રજાતિની ગરોળીઓની તસ્કરી કરનારી ગેંગને પકડી પાડી હતી. પોલીસે તસ્કરીના આરોપમાં ત્રણ શખ્સોને ઝડપી લીધા છે અને તેમની પાસેથી 11 જીવતી ટોકે ગેકો ગરોળી જપ્ત કરી છે. આંતરરાષ્ટ્રીય કાળા બજારમાં આ એક-એક ગરોળીની કિંમત આશરે 60 લાખ રૂપિયા સુધી હોવાનું અનુમાન છે.
આ દુર્લભ જીવોને અરુણાચલ પ્રદેશમાંથી લાવવામાં આવ્યા હતા અને ડિબ્રુગઢમાં વેચવાની તૈયારી ચાલી રહી હતી. પકડાયેલા આરોપીઓમાં દેબાશીસ દોહુટિયા (ઉંમર 34), માનશ દોહુટિયા (ઉંમર 28) અને દીપાંકર ખરફલિયા (ઉંમર 40)નો સમાવેશ થાય છે. તેઓએ આ ગરોળીઓને અજાણ્યા ખરીદદારોને વેચવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી મળી છે.
ટોકે ગેકો (Tokay Gecko) એ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ રક્ષિત અને લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે યાદીબદ્ધ છે. આ જીવોના શિકાર અથવા તસ્કરી માટે કાયદા હેઠળ 7 વર્ષની સખત જેલ અને દંડની જોગવાઈ છે.
₹60 lakhs + for a lizard? Not on our watch.
Acting on intel from @WJCommission South Asia, @STFAssam & @dibrugarhpolice rescued 11 Tokay Geckos from traffickers, 3 persons have been arrested & vehicles seized.
The Geckos will be released back into the wild. pic.twitter.com/6L6bcWLLGK
— Assam Police (@assampolice) April 11, 2025
આ કેસમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ને ગુપ્ત માહિતી પરથી જાણી ગયું હતું કે મોહનબારી વિસ્તારમાં મોટા પાયે તસ્કરી થવાની સંભાવના છે. STF ની ટીમે જિલ્લા પોલીસ અને વન્યજીવન વિભાગના સહયોગથી એક ઢાબા પાસે છટકું ગોઠવીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓમાં બે જણ કારમાં અને એક બાઇક પર આવ્યા હતા, અને લાલ બેકપેકમાં ગરોળીઓને છુપાવી રાખી હતી.
આ ગેંગ દક્ષિણ-પૂર્વ એશિયાના કાળા બજાર માટે આ જીવંત પ્રાણીઓ સપ્લાય કરતી હતી. આ પ્રદેશોમાં ટોકે ગેકો ગરોળીનો ઉપયોગ પરંપરાગત ચિકિત્સા અને તાંત્રિક વિધીમાં થતો હોવાનું જાણવા મળે છે. તસ્કરોના મતે, આ ગરોળીઓ ઘણા પ્રકારની બીમારીઓમાં ઉપયોગી હોય છે, જેને કારણે તેની બજારમાં ઊંચી માંગ છે.
અત્યાર સુધીમાં, પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે અન્ય કોઈ સંબંધિત તસ્કરો આ રેકેટમાં સામેલ છે કે કેમ. આ કેસ વન્યજીવ સંરક્ષણ અને દેશની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ ચેતવણીરૂપ છે.