ઓડિશાઃ અત્યારે સમગ્ર દેશમાં મોટાભાગના મોટા શહેરોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ ઈ મેમો આપતી હોય છે. પરંતુ આવા ઈ મેમોમાં અનેક છબરડા થતાં જોવા મળતા હોય છે. ક્યારેક બાઈક સવારને સીટ બેલ્ટ ન પહેરવા બદલ અથવા તો કાર ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ દંડ ફટકારવામાં આવતો હોય છે. આવો જ એક કિસ્સો ઓડિશાના ગંજમ જિલ્લામાં સામે આવ્યો છે.
અહીં એક ટ્રક ડ્રાઇવરને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ તેનું કારણ જાણશો તો તમારા હોશ જ ઊડી જશે. ટ્રક ડ્રાઇવરને હેલ્મેટ ન પહેરવાના કારણે ફટકારવામાં આવેલા દંડના સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. સમાચાર એજન્સી એએનઆઇ મુજબ, પ્રશાસને એક ટ્રક ડ્રાઇવરને હેલ્મેટ પહેર્યા વગર ટ્રક ચલાવવા પર 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
સમાચાર એજન્સીએ દંડની પાવતીની એક તસવીર પણ શૅર કરી છે, જેમાં ડ્રાઇવરથી લઈને વાહનની વિગત આપવામાં આવી છે. પાવતી પર આપવામાં આવેલી વિગતો મુજબ, ગંજમ જિલ્લામાં પ્રમોદ કુમાર પરિવહન વિભાગની ઓફિસ પોતાના વાહનનું પરમિટ રિન્યૂ કરાવવા ગયો હતો તો તેને દંડની પાવતી પકડાવી દેવામાં આવી. આ દંડની પાવતી પર એક હજાર રૂપિયા દંડની રકમ લખેલી હતી. પાવતીની કોપી પર તારીખ 15 માર્ચ, 2021ની છે અને ગાડી નંબર OR-07W/4593 છે, જેની પાવતી ફાડવામાં આવી છે.
બીજી તરફ, એક ન્યૂઝ ચેનલ મુજબ, પ્રમોદ કુમારે જ્યારે આ દંડ વિશે અધિકારીઓ સાથે વાત કરી તો તેઓએ જણાવ્યું કે હેલ્મેટ પહેર્યા વગર ડ્રાઇવિંગ કર્યું હોવાના કારણે પાવતી ફાડવામાં આવી છે. પ્રમોદ કુમાર આ વાત સાંભળીને હેરાન જ રહી ગયો. તેણે જણાવ્યું કે, મારા ટ્રક ચલાવવાનું પરમિટ ખતમ થઈ ગયું હતું અને હું તેને રિન્યૂ કરાવવા આરટીઓ આવ્યો હતો, ત્યારે મને આ પેન્ડિંગ દંડ વિશે જાણ થઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, પ્રમોદ કુમારે આરટીઓના અધિકારીઓને રજૂઆત કરી કે તેને દંડ ટ્રક ચલાવવા પર ફટકારવામાં આવ્યો છે. પરંતુ અધિકારીઓએ તેની દલીલ સાંભળી જ નહીં. ત્યારબાદ તેને ન છૂટકે હેલ્મેટ પહેર્યા વગર ડ્રાઇવિંગ કર્યાનો દંડ 1000 રૂપિયા ભરવો પડ્યો. ત્યારબાદ જ પ્રમોદ કુમારનું ટ્રક ચલાવવાનું પરમિટ રિન્યૂ કરવામાં આવ્યું.