VVIP Cars In India: ભારતમાં નંબર પ્લેટ વગર દોડતી VVIP કારો પાછળનું રહસ્ય અને કોણ રાખે છે નજર?
VVIP Cars In India: ભારતમાં દરેક વાહન માટે નંબર પ્લેટ અને RTO રજીસ્ટ્રેશન ફરજિયાત છે. જો કોઈ વાહન વગર નંબર પ્લેટના મળી આવે, તો તેના માટે ચાલાન ભરવું પડે છે. પરંતુ દેશમાં કેટલાક એવા ખાસ વાહનો છે, જેને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ ખાસ દરજ્જાવાળા વાહનો ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના હોય છે. તેમના સત્તાવાર વાહનોમાં પરંપરાગત નંબર પ્લેટ હોતી નથી. તેના બદલે આ વાહનો પર અશોક ચિહ્ન હોય છે, જેને આધારે તેઓની ઓળખ થાય છે. આવા વાહનોને RTOમાં રજીસ્ટર કરાવવાની જરૂર નથી. રાષ્ટ્રપતિની ગાડી રાષ્ટ્રપતિ ભવનના વહીવટીતંત્ર હેઠળ ચાલે છે અને તેની સંપૂર્ણ દેખરેખ એ જ તંત્ર કરે છે.
આ વાહનોના રેકોર્ડ રાષ્ટ્રપતિ ભવનમાં જ રાખવામાં આવે છે અને તેમનો કાયમી દસ્તાવેજ પણ ત્યાં જ હોય છે. આવા વાહનોની ઓળખ જાહેર કરવામાં આવતી નથી કારણ કે તેનું સંચાલન ખાસ સુરક્ષા અને પ્રોટોકોલના આધારે થાય છે. રાજ્યપાલના વાહનો માટે પણ આ જ નિયમ લાગુ પડે છે.
લશ્કરના વાહનો માટે પણ અલગ જ વ્યવસ્થા છે. આર્મી વાહનો RTO દ્વારા નોંધાયેલા હોતાં નથી. એમાં ખાસ કોડિંગ હોય છે જેમાં તીર (↑) નું ચિહ્ન અને ખાસ નંબરો હોય છે. આ નંબર પ્લેટ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા નિર્ધારિત હોય છે.
આવી વ્યવસ્થાઓ દેશના મહત્ત્વના પદાધિકારીઓ અને રક્ષણ વ્યવસ્થાને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી છે.