સિંગાપોરઃ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે વિવિધ દેશો કોરોના સામે લડવા માટે પોતાના દેશોમાં કોરોનાને લગતા કડક નિયમો લાદ્યા છે અને કડક પણે પાલણ કરવા માટે કટ્ટીબદ્ધ પણ છે. ત્યારે સિંગાપોરમાં પણ કડક કોરોના નિયમો અમલમાં મૂક્યા છે. અહીં એક ભારતીય મૂળની મહિલાને ઘરની બહાર માસ્ક ન પહેરવું ભારે પડ્યું હતું.
મળતી માહિતી પ્રમઆણે સિંગાપોરમાં 41 વર્ષના ભારતીય મૂળની મહિલાને ઘરની બહાર માસ્ક ન પહેરવા બદલ બે સપ્તાહની જેલ અને 2000 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમ મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. મીડિયાના અહેવાલ અનુસાર પરમજીત કૌર પર ઘરની બહાર નાક અને મોં પર માસ્ક ન પહેરવા તથા સામાન્ય પ્રજા માટે ઉપદ્રવ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ભારતીય મૂળની આ મહિલાને સજા ફટકારતી વખતે ડિસ્ટ્રિક્ટ જજ રોનાલ્ડ ગ્વીએ અન્ય પાંચ આરોપો પણ ધ્યાનમાં લીધા હતાં.
ત્રણ આરોપો કોરોનાના નિયમો તોડવાને લગતા છે જ્યારે અન્ય બે આરોપ ઘરનું સરનામું બદલાયું હોવાની જાણ ન કરવા તથા પોલીસ સ્ટેશનમાં હસ્તાક્ષર ન કરવા સાથે સંકળાયેલા છે. કૌરને બે સપ્તાહની જેલ અને 2000 સિંગાપોર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ કૌરને માસ્ક ન પહેરવા બદલ સજા અને ફટકારવામાં આવી હતી.
ગયા વર્ષે ચોથી મેના રોજ કૌરની ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે તેમને સજા ફટકારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સિંગાપોરમાં માસ્ક પહેરવા ન બદલ પ્રથમ વખત છ મહિના સુધીની જેલની સજા અને 10,000 સિંગાપોર ડોલર સુધીનો દંડ ફટકારવામાં આવે છે. જ્યારે બીજી વખત માસ્ક વગર પકડાય તો એક વર્ષ સુધીની જેલ અને 20,000 સિંગાપોર ડોલર સુધીનો દંડ ફટકારવામાં આવે છે.