Woman Sold Human Bones Online: ફેસબુક પર માણસના હાડકાં વેચતી મહિલા, પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી
Woman Sold Human Bones Online: આજના સમયમાં ઓનલાઇન શોપિંગ બહુ સામાન્ય થઇ ગયું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુકનો ઉપયોગ ઘણા લોકો પોતાનો સામાન વેચવા માટે કરે છે. સામાન્ય રીતે અહીં કપડાં, ઈલેક્ટ્રોનિક્સ કે ફર્નિચર જેવી વસ્તુઓ વેચાતી હોય છે, પણ અમેરિકામાં એક એવી ઘટના બની છે, જેનાથી લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
અમેરિકાના જ્યોર્જિયા રાજ્યની ડેલ્ટોનામાં રહેતી 52 વર્ષીય કિમ્બરલી એન શોપરે(Kymberlee Anne Schopper) ફેસબુકના માર્કેટપ્લેસ પર માનવ હાડકાં અને પાંસળીઓ વેચવાનું શરૂ કર્યું હતું. તેનું ફેસબુક પેજ “Wicked Wonderland” નામે ઓળખાય છે, જ્યાં તેણે માનવ ખોપરી, ખભાનું હાડકું, કોલરબોન અને પાંસળી જેવી વસ્તુઓ વેચવા માટે મૂકેલી હતી.
અહેવાલ મુજબ, ડિસેમ્બર 2023માં પોલીસને મળેલી જાણકારીના આધારે તપાસ શરૂ કરવામાં આવી. ચોંકાવનારી વાત એ હતી કે પેજ પર એક ખોપરીની કિંમત $90 (રૂ. 7500 જેટલી) અને અંશિક ખોપરી માટે $600 (રૂ. 52,000 જેટલી) હતી. પોલીસ દ્વારા પૂછપરછ દરમ્યાન કિમ્બર્લીએ કહ્યું કે તે વર્ષોથી આ કામ કરતી હતી અને તેને ખબર નહોતી કે આ ગેરકાયદેસર છે.
મહિલાએ દાવો કર્યો કે તેને હાડકાં ખાનગી વેન્ડર પાસેથી ખરીદ્યાં છે અને તે તમામ વ્યવહારોના દસ્તાવેજ પણ ધરાવે છે, પણ તપાસ દરમિયાન તે દસ્તાવેજો રજૂ કરી શકી નહોતી.
પોલીસે જ્યારે તેની ધરપકડ કરી, ત્યારપછી તેને લગભગ રૂ. 6.5 લાખના બોન્ડ પર જામીન મળ્યા. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ હાડકાં લગભગ 100 થી 500 વર્ષ જૂના હોવાનું લાગી રહ્યું છે.
આ ઘટના એ સાવધાન રહેવાની તાકીદ કરે છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર શું વેચાય છે અને લોકો કઈ રીતે તેનો ઉપયોગ કરે છે તે જોવું ખૂબ જ જરૂરી બની ગયું છે.