Worlds Smallest Doctor: 3 ફૂટની ઊંચાઈ, પણ સપનાઓ આકાશ જેટલાં!
Worlds Smallest Doctor: મુશ્કેલીઓ છતાં ઇતિહાસ રચનારા લોકોને વિશ્વ ક્યારેય ભૂલતું નથી. ગણેશ બારૈયા એવા જ એક યુવાન છે, જેણે સાબિત કર્યું કે હિંમત હોય તો કંઈપણ શક્ય છે. તળાજા તાલુકામાં જન્મેલા 23 વર્ષીય ગણેશની ઊંચાઈ માત્ર 3 ફૂટ છે, પણ આજે તેઓ વિશ્વના સૌથી નાના ડૉક્ટર તરીકે ઓળખાય છે.
ગણેશનું જન્મથી જ જીવન સંઘર્ષભર્યું રહ્યું. ચાર વર્ષની ઉંમરે, માતાપિતાએ જોયું કે તેમનું માથું શરીર કરતાં મોટું છે. ડૉક્ટરોએ તેને અસાધ્ય રોગ જાહેર કર્યો. શાળામાં સાથીદારો મજાક ઉડાવતા, પણ ગણેશ અભ્યાસમાં દ્રઢ રહ્યા. તેમના પિતા રોજ 200 રૂપિયા કમાતા, એક દિવસ કોઈએ ગણેશને સર્કસમાં વિદૂષક બનાવવા માટે 1 લાખ રૂપિયાની ઓફર કરી. આ વાતથી તેમના પિતા દુઃખી થયા અને ગણેશના ભવિષ્ય માટે વધુ સંકલ્પબદ્ધ થયા.
ગણેશનો સપનાનો રસ્તો સરળ નહોતો. MBBS પરીક્ષા પાસ કર્યા પછી પણ મેડિકલ કાઉન્સિલે ટૂંકી ઊંચાઈને કારણે પ્રવેશ નકાર્યો. ગણેશે હાર ન માની અને કોર્ટ સુધી લડત આપી. આખરે 2018માં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ 2019માં એમબીબીએસમાં પ્રવેશ મળ્યો.
ગણેશે સર-ટી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ પૂર્ણ કરી છે. તેઓ કહે છે, “મારા માતા-પિતાને ગર્વ થાય એવું જીવન જીવવા માંગુ છું.” તેમની કથા લાખો લોકો માટે પ્રેરણા છે.