મહુવા પંથકના ખેડૂતો અજમાની ખેતી તરફ વળ્યા
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા ડુંડાસ ગામના અનેક ખેડૂતો હવે પરંપરાગત પાકો છોડીને અજમાની ખેતી તરફ આગળ વધી રહ્યા છે. જેમાંથી એક છે ખેડૂત ભરતભાઈ, જેમણે છેલ્લા 20 વર્ષથી અજમાની ખેતી દ્વારા સારો નફો મેળવી રહ્યા છે. અગાઉ તેઓ મગફળી અને કપાસ જેવા પાક વાવતા હતા, પણ પરિણામ સંતોષકારક ન હોવાથી તેમણે પાકમાં ફેરફાર કર્યો.
બીજ પણ પોતે તૈયાર કરે છે, પિયત વગર પણ સફળતા
ભરતભાઈ અજમાના બીજ કોઈ બહારથી લાવતા નથી. તેઓ પોતે જ દર વર્ષે પોતાના ખેતરમાંથી મળતા સારા ગુણવત્તાવાળા બીજ લઈ તેને ઉપયોગમાં લે છે. આ ઉપરાંત, તેમનું મોટાભાગનું ખેતર બિનપિયત છે, છતાં પણ તેઓ સંતોષકારક ઉત્પાદન મેળવી રહ્યા છે.
ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, બજારમાં મજાની કિંમતે વેચાણ
અજમાની ખેતીમાં એક વીઘે અંદાજે પાંચથી સાત હજાર રૂપિયાનો ખર્ચ આવે છે, જ્યારે ઉત્પાદન રૂ. 20,000થી 25,000 સુધી પહોંચી જાય છે. ફસલ તૈયાર થયા પછી તે હાપા માર્કેટિંગ યાર્ડ, જામનગરમાં વેચવામાં આવે છે, જ્યાં બિનપિયત પાક માટે એક મણના રૂ. 3500થી 4000 અને પિયત પાક માટે રૂ. 3000થી 3500 સુધીના ભાવ મળે છે.
ઓછા ખર્ચે મહત્તમ નફો, 40 લાખથી વધુનું વાર્ષિક ઉત્પાદન
ભરતભાઈએ જણાવ્યું કે, ઓછી મજૂરી, રોગમુક્ત પાક અને સરળ સંભાળને કારણે અજમાની ખેતી ખૂબ નફાકારક સાબિત થઈ છે. તેઓ એક વર્ષમાં આશરે 40 લાખ રૂપિયા જેટલું ઉત્પાદન મેળવી રહ્યા છે, જેનાથી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
અજમાની ખેતી ખાસ કરીને બિનપિયત જમીન ધરાવતા ખેડૂતો માટે એક બહેતર વિકલ્પ છે. ઓછી મૂડીમાં ઊંચી આવક મેળવી શકાય છે અને બજારમાં પણ તેનું ચોક્કસ સ્થળ બનતું જઈ રહ્યું છે.