અક્ષય કુમારની ‘જૉલી એલએલબી 3’નો પ્રચાર, કાનપુરના કાર્યક્રમમાં ગુટખા ન ખાવાની સલાહ
બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની આગામી કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ‘જૉલી એલએલબી 3’ના પ્રચારમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અક્ષય પોતાના સહ-કલાકાર અરશદ વારસી સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. તાજેતરમાં, અક્ષય કુમાર ટ્રેલર લોન્ચ કરવા માટે કાનપુર આવ્યા હતા, જ્યાં તેમણે માત્ર ફિલ્મ વિશે જ વાત ન કરી, પરંતુ ગુટખાના સેવન વિરુદ્ધ એક કડક સંદેશ પણ આપ્યો.

કાર્યક્રમ દરમિયાન, એક પત્રકારે અક્ષયને કાનપુરના પાત્ર અને શહેરના ગુટખા સાથેના સંબંધ વિશે પૂછ્યું. અક્ષયે કોઈ ખચકાટ વિના જવાબ આપ્યો, “ગુટખા ન ખાવો જોઈએ.” જ્યારે પત્રકારે વચ્ચે બોલવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોતાની હાજરજવાબી માટે જાણીતા અક્ષયે તરત જ કહ્યું, “ઇન્ટરવ્યુ મારો છે કે તમારો? હું બોલી રહ્યો છું, ગુટખા ન ખાવો જોઈએ, બસ.”
પાન મસાલાની જાહેરાતો સાથેનો જૂનો વિવાદ
અહીં એ વાત નોંધવી જરૂરી છે કે, ડિસેમ્બર 2023માં અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગણને ગુટખા સંબંધિત જાહેરાતોમાં કામ કરવા બદલ સરકારી નોટિસ મળી હતી. આ કડક પ્રતિક્રિયા બાદ અક્ષયે એક પાન મસાલા બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને જાહેરમાં ચાહકોની માફી પણ માંગી હતી. ‘જૉલી એલએલબી 3’ના કાર્યક્રમમાં તેમનું તાજેતરનું નિવેદન તેમના આ નિર્ણયને વધુ મજબૂત બનાવે છે.
View this post on Instagram
‘જૉલી એલએલબી 3’ વિશે
આ લોકપ્રિય લીગલ ડ્રામા ફ્રેન્ચાઇઝીના ત્રીજા ભાગમાં અક્ષય કુમાર ‘જૉલી મિશ્રા’ના પાત્રમાં પરત ફરશે, જ્યારે અરશદ વારસી ‘જૉલી ત્યાગી’ની ભૂમિકાને ફરીથી ભજવશે. અનુભવી અભિનેતા સૌરભ શુક્લા જજ ‘ત્રિપાઠી’ના રૂપમાં ફરી જોવા મળશે, જ્યારે હુમા કુરેશી, અમૃતા રાવ અને ગજરાજ રાવ પણ આ ફિલ્મમાં સામેલ થશે. પોતાની ભૂમિકા વિશે વાત કરતાં અક્ષયે કહ્યું, “આ મારા માટે એક ખાસ સફર રહી છે. આ ફિલ્મને રોમાંચક બનાવનારી વાત એ છે કે તે ફક્ત એક પાત્રને ફરીથી જીવંત કરવા વિશે નથી, પરંતુ તેને બીજા જૉલી સામે કોર્ટમાં ઊભા કરવા વિશે છે, જેને અરશદ વારસીએ ખૂબ સારી રીતે ભજવ્યો છે.”
સુભાષ કપૂર દ્વારા નિર્દેશિત અને સ્ટાર સ્ટુડિયો 18 દ્વારા નિર્મિત, ‘જૉલી એલએલબી-3’ 19 સપ્ટેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રજૂ થશે.

