ઓક્ટોબર સુધી વરસાદ ચાલુ રહેશે?
ગુજરાતમાં ફરી મેઘરાજા સક્રિય બન્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી મહિનાઓ માટે ચિંતાજનક તેમજ લાભદાયી આગાહીઓ કરી છે.
જુલાઈના અંતે થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળનો ઉપસાગર વધુ સક્રિય બનશે અને ડીપ ડિપ્રેશન કે લો પ્રેશર જેવી સિસ્ટમો ઉભી થશે. જેના કારણે 28 જુલાઈ બાદ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારમાં પવનની ઝડપ 50થી 60 કિમી પ્રતિ કલાક જેટલી હોઈ શકે છે.
ઓગસ્ટમાં ત્રણ વખત વરસાદી સિસ્ટમ સંભવ
તેઓએ જણાવ્યું કે, 4થી 8 ઓગસ્ટ દરમિયાન વરસાદી સિસ્ટમ સર્જાશે, જેના કારણે રાજ્યના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી શકે છે. 6થી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે. 17થી 19 ઓગસ્ટ વચ્ચે ફરી વરસાદી ચક્ર રચાશે. તેમ છતાં, 23 ઓગસ્ટ પછી વરસાદની તીવ્રતા ઘટશે.
સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી વરસાદ જળવાશે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, સપ્ટેમ્બરમાં ઝેરી જીવજંતુઓના પ્રકોપની શક્યતા છે, જેના લીધે ખેડૂતોએ ખૂબ સાવચેત રહેવું પડશે. તેમણે ઉમેર્યું કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી વરસાદ યથાવત રહેશે. એટલે ચોમાસું હજુ લાંબું ખેંચાઈ શકે છે.
નવરાત્રિમાં વરસાદ વિલન બની શકે
પૂર્વા નક્ષત્રની વાત કરતાં તેમણે જણાવ્યું કે, 13 સપ્ટેમ્બર બાદનું વરસાદી પાણી ખેતી માટે લાભદાયી હશે. જોકે, નવરાત્રિના દિવસોમાં પણ વરસાદ પડવાની શકયતા રહેલી હોવાથી ઉજવણીમાં ખલેલ પડશે.