અંબાલાલ પટેલની આગાહી: 18 નવેમ્બરે વાવાઝોડું, ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી – ગુજરાત માટે શું છે સંકેત?
હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આવનારા હવામાન પરિવર્તનો અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ, ચોમાસાની વિદાયની સાથે સાથે રાજ્યમાં શિયાળાની શરૂઆત પણ અપેક્ષા કરતાં વહેલી અને વધુ તીવ્રતા સાથે થઈ શકે છે. તેમણે વરસાદ, સંભવિત વાવાઝોડું અને ઠંડીના આગમન અંગે વિગતવાર માહિતી આપી છે.
ચોમાસાની વિદાય અને વરસાદી ઝાપટાં
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. 15 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર વચ્ચે ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનમાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે. ત્યારબાદ, 30 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતમાંથી પણ ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ લેશે. જોકે, ઓક્ટોબર મહિના દરમિયાન કારતક માસમાં હળવા દબાણ અને માવઠા સ્વરૂપે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનવાની પણ સંભાવના છે, જે ગુજરાતના વાતાવરણને અસર કરી શકે છે.
સંભવિત વાવાઝોડું અને ઠંડીનો પ્રારંભ
આગાહી મુજબ, 18 નવેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું બનવાની શક્યતા છે, જે ગુજરાતના વાતાવરણમાં પલટો લાવી શકે છે. આ સિસ્ટમની અસર બાદ ઠંડીનો ચમકારો શરૂ થશે.
કડકડતી ઠંડીની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈને પણ મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, ડિસેમ્બરની શરૂઆતમાં સામાન્ય ઠંડીનો અનુભવ થશે, પરંતુ 22 ડિસેમ્બર પછી ઠંડી તેની ચરમસીમાએ પહોંચશે. ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની આગાહીને કારણે ગુજરાતમાં પણ ઠંડીનો તીવ્ર અનુભવ થશે. ડિસેમ્બરના અંત સુધીમાં, લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જે ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ કરાવશે. ઉત્તરાયણ પછી પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે અને 12, 13, 14 જાન્યુઆરી બાદ તાપમાન 15 થી 16 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.