પીટર નાવારોનો ભારત પર પ્રહાર: પીએમ મોદીની રશિયા-ચીન સાથેની મુલાકાતને ‘શરમજનક’ ગણાવી
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નાવારોએ ફરી એકવાર ભારત પર આકરા પ્રહારો કર્યા છે. આ વખતે, તેમણે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાતને ‘શરમજનક’ ગણાવી છે.
નાવારોએ મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું કે, ભારતને રશિયા નહીં, પરંતુ અમેરિકાની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ભારત સરકારે મોસ્કો પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે, “દુનિયાની સૌથી મોટી લોકશાહીના નેતા (વડાપ્રધાન મોદી) પુતિન અને શી જિનપિંગ જેવા બે મોટા સરમુખત્યારશાહી નેતાઓ સાથે નિકટતા બતાવી રહ્યા છે તે શરમજનક છે.”
નાવારોએ વડાપ્રધાન મોદીની રણનીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “મને સમજાતું નથી કે વડાપ્રધાન મોદી શું વિચારી રહ્યા છે?” તેમણે ભારતને સલાહ આપતા કહ્યું કે, “અમને આશા છે કે તેઓ સમજશે કે ભારત આપણી સાથે, યુરોપ અને યુક્રેન સાથે હોવું જોઈએ, રશિયા સાથે નહીં.”
આ પહેલીવાર નથી કે નાવારોએ ભારત સામે આવા નિવેદનો આપ્યા હોય. અગાઉ પણ, તેમણે તિયાનજિનમાં પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચેની મુલાકાત પર સવાલ ઉઠાવ્યા હતા. તે સમયે તેમણે કહ્યું હતું કે, “હું ભારતીય લોકોને કહેવા માંગુ છું કે અહીં શું થઈ રહ્યું છે તે સમજો. બ્રાહ્મણો ભારતના લોકોના ભોગે નફાખોરી કરી રહ્યા છે. આને રોકવાની જરૂર છે.”
નાવારોના આ નિવેદનો અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં સંભવિત તણાવ દર્શાવે છે. આ નિવેદન બતાવે છે કે અમેરિકા ભારતને રશિયા અને ચીનથી દૂર રાખવા માટે દબાણ કરી રહ્યું છે, જ્યારે ભારત પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપી રહ્યું છે.