Surat સુરત ડિજિટલ અરેસ્ટમાં ચોકબજારનાં આમીર પીરભાઈની ધરપકડ, આર્થિક માફિયા ઉંમર જનરલ, યુનુસ જનરલ અને અહેમદ પીરભાઈ પર કસાયો સિકંજો
સુરતના ઘોડદોડ રોડ ખાતે સિનિયર સિટીઝનની ડિજિટલ અરેસ્ટ કરી એક કરોડ રુપિયા ખંખેરી લેવાના આર્થિક કૌભાંડમાં સુરત સાયબર ક્રાઈમ સેલે નાસતા ફરતા આરોપી આમીર પીરભાઈની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો છે. આમીર પીરભાઈએ આર્થિક માફિયાઓ સહિત માસ્ટર માઈન્ડના નામો તરફ આંગળી ચિંધી હોવાની માહિતી મળી રહી છે. જ્યારે પોલીસ તપાસના દાયરામાં ચોકબજાર-ભાગાતળાવ ખાતે રહેતા ઉંમર જનરલ, યુનુસ જનરલ અને અહેમદ પીરભાઈ પોલીસ તપાસની રડારમાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુરત સાયબર ક્રાઈમ સેલના પીઆઈ વાય.એસ ગામીતે જણાવ્યું કે ડિજિટલ અરેસ્ટ કેસમાં આમીર પીરભાઈની ધરપકડ કરવામાં આવી છે. હાલ તપાસ ચાલી રહી છે. આખાય કૌભાંડમાં કોણ-કોણ સંડોવાયેલું છે તેના વિગતો એકત્ર કરવામાં આવી રહી છે અને મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે પોલીસે તપાસ કેન્દ્રીત કરી છે.
મળતી માહિતી મુજબ આમીર પીરભાઈએ પોતાનું એકાઉન્ટ ભાડેથી ઉંમર જનરલ, યુનુસ જનરલ અને અહેમદ પીરભાઈને આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ આર્થિક માફિયાઓની ત્રિપુટી ફરાર છે અથવા તો ભૂગર્ભમાં ઉતરી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ આ આર્થિક માફિયાઓની ત્રિપુટીને શોધવા ઝીણવટભરી તપાસ કરી રહી છે.
વિગતો મુજબ જનરલ ફેમિલીના આર્થિક માફિયાઓના મની લોન્ડરીંગ તથા હવાલાનાં નેટવર્કને ભેદવા માટે સાયબર સેલ આકાશ પાતાળ એક કરી રહ્યું છે. કમ્બોડીયા, ચીન અને વાયા દુબઈ થઈને ચાલી રહેલા હવાલા રેકેટનો ટૂંક સમયમાં પર્દાફાશ થવાની શક્યતા જોવા મંળી રહી છે.