Amit Chavda Congress: અંબાજી મંદિરથી નવી રાજકીય સફર શરૂ
Amit Chavda Congress: ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતાના કાર્યકાળની શરૂઆત આજે અંબાજી મંદિરે દર્શન કરીને કરી. મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યા બાદ તેમણે જણાવ્યું કે, તેમને માતાજી તરફથી સંકેત મળ્યો છે કે 2027માં રાજ્યમાં પરિવર્તન થશે અને સચિવાલયમાં કોંગ્રેસનો ધ્વજ ફરકશે.
બનાસકાંઠામાં 500 કરોડના કૌભાંડનો આરોપ
અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, બનાસકાંઠાની ડેરીઓ અને દૂધ મંડળીઓમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. પશુપાલકોના પૈસાનું દુરૂપયોગ ઉત્સવો અને તાયફાઓમાં થાય છે. તેમણે કહ્યું કે, જમીન સંપાદનમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે અને માત્ર બનાસકાંઠામાંથી જ 500 કરોડનું કૌભાંડ બહાર આવી શકે છે.
“2027માં કોંગ્રેસનું વાવેતર થશે”
અમિત ચાવડાએ અંબાજીમાં જણાવ્યું કે, તેઓ લોકોના હક્ક માટે લડવા માટે તૈયાર છે. તેમણે પોતાની ટીમ સાથે પદયાત્રા કરી અને કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે જ્યારે ભ્રષ્ટાચાર અને અન્યાય સામે સંગઠિત લડત લડવામાં આવશે.
“ભાજપ સરકાર = નવા અંગ્રેજોનું શાસન”
અમિત ચાવડાએ ભાજપના શાસનને “નવા અંગ્રેજોનું શાસન” ગણાવ્યું. તેમણે જણાવ્યું કે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને પ્રોજેક્ટ્સમાં લૂંટખસોટ જનતાને દુઃખી કરી રહી છે. તૂટી પડેલા બ્રિજ અને જનહિતના પ્રશ્નો પણ ભાજપના શાસન પર સવાલ ઊભા કરે છે.
રાજ ઠાકરેના નિવેદન પર જવાબ
તેમણે એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેના સરદાર પટેલ અને મોરારજી દેસાઈ અંગેના નિવેદનને લઈને પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આવા લોકો આપણા નેતાઓનું , સમગ્ર ગુજરાતનું અપમાન કરે છે. તેમણે ઠાકરેને “સૂર્ય સામે ધૂળ ફેંકનારા” તરીકે ઉલ્લેખ્યા.
22 જુલાઈ – સંકલ્પ દિવસ તરીકે ઉજવાશે
ચાવડાએ જાહેરાત કરી કે 22 જુલાઈને કોંગ્રેસ “સંકલ્પ દિવસ” તરીકે ઉજવશે. દેશભરમાં કાર્યકર્તાઓ અન્યાય સામે સંગઠિત લડતનો સંકલ્પ કરશે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ હવે ફરીથી લોકોના મંડાણમાં આવી રહી છે અને વિપક્ષ તરીકેની ભૂમિકા સક્રિયપણે ભજવશે.
51 ગજની ધ્વજ યાત્રા અને વરસાદમાં પદયાત્રા
અંબાજી ખાતે યોજાયેલી ભવ્ય પદયાત્રામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ 51 ગજ લંબાઈની ધ્વજ સાથે ભીંજાતા વરસાદમાં 500 મીટર સુધી પદયાત્રા કરી. પછી અમિત ચાવડાએ ભક્તિભાવથી મંદિરના શિખર પર ધ્વજ ચડાવ્યો.
ગેનીબેન ઠાકોર ગરબે ઘૂમ્યા
આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોરે ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવી હતી, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની.
નેતાઓનો ઉમટેલો સપોર્ટ
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય કાંતિ ખરાડી અને જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના અગ્રણીઓએ માતાજીના દર્શન કરીને નેતૃત્વ માટે આશીર્વાદ મેળવ્યા.