અમિત ખુંટ કેસમાં રાજદીપસિંહ જાડેજાનો મોટો નિર્ણય — પોલીસ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ થશે
Amit Khunt Case: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામના રહેવાસી અમિત ખુંટ કેસ (Amit Khunt Case) માં હવે મોટો વળાંક આવ્યો છે. છેલ્લા છ મહિનાથી ફરાર ચાલતા રાજદીપસિંહ જાડેજા (Rajdeepsinh Jadeja) એ આખરે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાનું સરેન્ડર કર્યું છે. વિશ્વસનીય સૂત્રો અનુસાર, પોલીસ હવે રાજદીપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં રિમાન્ડની માગ સાથે રજૂ કરશે.
સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી ફગાવાયા બાદ કર્યો આત્મસમર્પણ
રાજદીપસિંહ જાડેજાએ આ કેસમાં અગાઉ સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટ દ્વારા અરજી ફગાવાતા ગઈકાલે રાત્રે તેમણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજરી આપી પોતાને સોંપી દીધા. પોલીસ સૂત્રો જણાવે છે કે, આ કાર્યવાહી બાદ કેસમાં તપાસનો નવો તબક્કો શરૂ થવાની સંભાવના છે.

રિમાન્ડ માટે કોર્ટમાં રજૂઆતની તૈયારી
પોલીસ વિભાગે રાજદીપસિંહને ગોંડલ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવાનો નિર્ણય કર્યો છે, જેથી તેમની પૂછપરછ દરમિયાન અન્ય સંબંધિત વ્યક્તિઓ અને સંભવિત સહયોગીઓની ભૂમિકા સ્પષ્ટ થઈ શકે. તપાસમાં જાણવાની કોશિશ થશે કે ફરાર દરમિયાન રાજદીપસિંહ ક્યાં-ક્યાં રહ્યા હતા અને તેમને કોણે આશરો આપ્યો હતો.
ગોંડલ ડીવાયએસપી ઝાલાનું નિવેદન
આ મામલે ગોંડલ ડીવાયએસપી ઝાલાએ જણાવ્યું કે, “રાજદીપસિંહ જાડેજાને ક્યાં-ક્યાં રહેવા માટે સહાય મળી અને કોણે તેમને આશરો આપ્યો તે અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે.” પોલીસની પૂછપરછમાં અનેક મહત્વપૂર્ણ માહિતી બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

કેસમાં નવા ખુલાસાની આશા
અમિત ખુંટના આપઘાત કેસે ગોંડલ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ચર્ચા જગાવી હતી. હવે રાજદીપસિંહના આત્મસમર્પણ બાદ તપાસમાં નવા પુરાવા અને સાક્ષી મળવાની શક્યતા છે. પોલીસ તંત્રનો દાવો છે કે, આગામી દિવસોમાં કેસ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ વિગતો સામે આવશે.

