અમરેલી જિલ્લા ભાજપની જૂથબંધીએ ફરી ઉથલો માર્યો, “મિલ્ક ડે”ના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ, સાંસદ,જિલ્લાના પાંચ ધારાસભ્યોની ગેરહાજરીએ ચર્ચા જગાવી
અમરેલી જિલ્લા અને શહેર ભાજપમાં ચાલતી જૂથબંધી ફરી સપાટી પર આવી છે. અમર ડેરી દ્વારા આયોજિત શરદોત્સવ “મિલ્ક ડે”ના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ, સાંસદ,જિલ્લાના પાંચ ધારાસભ્યોની ગેરહાજરીને લીધે અમરેલી ભાજપમાં બધું સમુંસુતરું નથી તેવી અટકળો જોરશોરથી ચાલી રહી છે.
અમરેલી જિલ્લાના મોટાભાગના ખેડૂતો અને માલધારીઓ જે સંસ્થા સાથે જોડાયેલા છે તે ઉપરાંત જિલ્લાની સહકારી ક્ષેત્રની મોટી સંસ્થા કહેવાતી અમર ડેરી દ્વારા શરદોસ્તવનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારો,સાંસદો અને ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંધાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો હતો અને આ બંને નેતાઓ આ કાર્યક્રમમાં હાજર પણ રહ્યા હતા પરંતુ જિલ્લાના બાકીના રાજકીય આગેવાનોની ગેરહાજરીએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
આ કાર્યક્રમમાં જિલ્લાના પાંચે પાંચ ધારાસભ્યો જેમાં અમરેલી, સાવરકુંડલા, રાજુલા, લાઠી અને ધારીના ધારાસભ્ય ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત વર્તમાન સાંસદ ભરતભાઈ સુતરીયા અને જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના આગેવાનો પણ ગેરહાજર રહ્યા હતા.
જોકે, પૂર્વ સાંસદ નારણ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી હાજર રહ્યા હતા પરંતુ જિલ્લાના પાંચ ધારાસભ્યો, સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખની ગેરહાજરીથી લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે અમરેલી જિલ્લામાં ભાજપમાં જૂથવાદ ખૂબ જ વધી ઞયો છે.
આ બાબતના અહેવાલ બાદ ગાંધીનગર ખાતે ભાજપના મોવડી મંડળે પણ ગંભીર નોંધ લીધી છે અને માહિતી પણ મંગાવી હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.