અનાહત સિંહનો વર્લ્ડ રેકોર્ડ! 18ની ઉંમરે વિશ્વ જૂનિયર સ્ક્વોશમાં ગોલ્ડ જીતી બનાવ્યો નવો ઈતિહાસ

3 Min Read

૧૮ વર્ષની અનાહત સિંહે રચ્યો ઇતિહાસ: વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની; ફાઇનલમાં ઇજિપ્તની ખેલાડીને ધૂળ ચાટતી કરી!

જ્યારે સમગ્ર દેશની નજર ૨૦૨૬ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય રમતવીરો પદકો જીતે તેના પર ટકેલી છે, ત્યારે કેનેડાના આંગણેથી ભારત માટે એક ગર્વના સમાચાર આવ્યા છે. ભારતની ૧૮ વર્ષીય ઉભરતી સ્ટાર ખેલાડી અનાહત સિંહે જુનિયર સ્ક્વોશ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતીને સ્ક્વોશના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરો લખાવી દીધું છે. ફાઇનલ મેચમાં અનાહતે ઇજિપ્તની બીજા ક્રમાંકિત રુકૈયા સલેમને સીધા સેટમાં હરાવીને આ ટાઇટલ પોતાના નામે કર્યું છે. આ સાથે જ તે આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જીતનારી દેશની સર્વપ્રથમ ખેલાડી બની ગઈ છે.

અનાહત સિંહે આખી ટુર્નામેન્ટ દરમિયાન આક્રમક રમત બતાવી હતી અને ફાઇનલમાં પણ પ્રતિસ્પર્ધી ખેલાડીને પુનરાગમન કરવાની સહેજ પણ તક આપી ન હતી.

- Advertisement -

badmintar.jpg

૨૧ વર્ષ બાદ ફાઇનલમાં પ્રવેશ અને સુવર્ણ ઇતિહાસ

અનાહત સિંહની આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણ કે તે ૨૧ વર્ષના લાંબા ગાળા બાદ આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ખેલાડી બની છે. આ પહેલાં વર્ષ ૨૦૦૫માં ભારતીય સ્ક્વોશ દિગ્ગજ જોશના ચિનપ્પા જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ તે ટાઇટલ જીતવામાં અસફળ રહી હતી. અનાહતે ન માત્ર જોશના ચિનપ્પાના ફાઇનલ સુધી પહોંચવાના રેકોર્ડની બરાબરી કરી, પરંતુ ટાઇટલ જીતીને ભારતીય સ્ક્વોશ ઇતિહાસનું મોટું સ્વપ્ન પણ પૂરું કર્યું.

- Advertisement -

ફાઇનલ મેચનો રોમાંચ: એકતરફી મુકાબલામાં ઇજિપ્તની ખેલાડી પરાસ્ત

પ્રથમ સેટ: અનાહતે વિરોધી ખેલાડી રુકૈયા સલેમ પર દબાણ બનાવીને માત્ર ૧૧-૩થી પહેલો સેટ સરળતાથી જીતી લીધો.

બીજો સેટ: ઈજિપ્તની ખેલાડીએ કમબેક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અનાહતે શાનદાર શૉટ્સ રમીને આ સેટ ૧૧-૭થી પોતાના નામે કર્યો.

ત્રીજો સેટ: અંતિમ અને નિર્ણાયક સેટમાં ભારે ટક્કર જોવા મળી હતી, પરંતુ અનાહતે ધૈર્ય જાળવી રાખીને ત્રીજો સેટ ૧૧-૯થી જીતી લીધો અને ૩-૦થી ઐતિહાસિક વિજય હાંસલ કર્યો.

- Advertisement -

રમતગમત મંત્રીએ પાઠવ્યા અભિનંદન; દેશભરમાં ખુશીનો માહોલ

અનાહત સિંહની આ અભૂતપૂર્વ સિદ્ધિ બાદ સમગ્ર દેશમાંથી તેના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર અનાહતને અભિનંદન આપતાં લખ્યું:

“ઇતિહાસ રચાયો! વર્લ્ડ સ્ક્વોશ જુનિયર ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બનવા બદલ અનાહત સિંહને હાર્દિક અભિનંદન! આ સિદ્ધિ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે.”

Share This Article