આઇફોન બનાવતી કંપનીનો ગુસ્સો ફાટ્યો! ઓપનએઆઈ સામે આરપારની લડાઈ, ફીચર્સ પર લાગશે બ્રેક?
ટેકનોલોજીની દુનિયાની બે સૌથી મોટી અને શક્તિશાળી કંપનીઓ – એપલ (Apple) અને ઓપનએઆઈ (OpenAI) હવે આમને-સામને આવી ગઈ છે. લાંબા સમયથી પડદા પાછળ ચાલી રહેલો આ વિવાદ હવે ખુલ્લેઆમ કોર્ટના ચોગાને પહોંચી ગયો છે. આઇફોન બનાવતી દિગ્ગજ કંપની Apple એ અમેરિકાની કેલિફોર્નિયા ફેડરલ કોર્ટમાં OpenAI વિરુદ્ધ એક મોટો દાવો માંડ્યો છે. એપલનો આરોપ છે કે ચેટજીપીટી (ChatGPT) બનાવનારી કંપની ઓપનએઆઈએ તેના ભૂતપૂર્વ કર્મચારીઓની મદદથી એપલના અત્યંત ગુપ્ત ‘ટ્રેડ સીક્રેટ્સ’ (વેપારી રહસ્યો) અને હાર્ડવેર ડિઝાઇનની સંવેદનશીલ માહિતીની ચોરી કરી છે. એપલનો દાવો છે કે આ જ ચોરાયેલી ટેક્નોલોજીના દમ પર OpenAI પોતાનું નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હાર્ડવેર ડિવાઇસ તૈયાર કરી રહ્યું છે.

એપલે કોર્ટમાં શું આકરા આક્ષેપો કર્યા?
એપલે કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજીમાં બહુ ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. કંપનીનું કહેવું છે કે OpenAI એ કોઈ આકસ્મિક રીતે નહીં, પરંતુ એક સુનિયોજિત અને સંગઠિત કાવતરા અંતર્ગત એપલની ગુપ્ત ટેક્નોલોજી હાસલ કરી છે.
અરજીમાં જણાવ્યા અનુસાર, એપલના બે અત્યંત વિશ્વાસુ અને સિનિયર કર્મચારીઓ – ટેંગ ટેન (Tang Tan) અને ચાંગ લિયુ (Chang Liu), એપલ છોડ્યા બાદ OpenAI માં જોડાયા હતા. આ બંને પ્રોફેશનલ્સે એપલના સંશોધનો અને ગુપ્ત હાર્ડવેર પ્રોજેક્ટ્સની ફાઈલોનો ઉપયોગ ઓપનએઆઈના નવા હાર્ડવેર પ્રોજેક્ટને ઊભો કરવા માટે કર્યો. એપલે કોર્ટને જણાવ્યું છે કે આ માત્ર કર્મચારીઓની વ્યક્તિગત ભૂલ નથી, પરંતુ OpenAI દ્વારા સંસ્થાકીય સ્તરે (Institutional Level) કરવામાં આવેલી ગંભીર બેદરકારી અને ગેરઆચરણનો મામલો છે, જેમાં જાણીજોઈને બીજી કંપનીના બૌદ્ધિક સંપદા અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
ભૂતપૂર્વ કર્મચારીઓ પર શું છે ચોક્કસ આક્ષેપો?
એપલે પોતાના જે બે પૂર્વ કર્મચારીઓ પર કેસ કર્યો છે, તે બંને કંપનીના હાર્ડવેર વિભાગના મુખ્ય આધારસ્તંભ સમાન હતા. તેથી જ આ મામલો વધુ ગંભીર બને છે:
-
ટેંગ ટેન (Tang Tan): ટેંગ ટેન અગાઉ એપલમાં આઇફોન (iPhone), એપલ વોચ (Apple Watch) અને આઇપોડ (iPod) જેવા વિશ્વપ્રસિદ્ધ અને ક્રાંતિકારી પ્રોડક્ટ્સની ડિઝાઇન ટીમમાં મહત્વનું સ્થાન ધરાવતા હતા. એપલ છોડ્યા બાદ તેઓ સીધા OpenAI માં જોડાયા અને હાલમાં ત્યાં ‘ચીફ હાર્ડવેર ઓફિસર’ (Chief Hardware Officer) તરીકે કાર્યરત છે. તેમના પર આરોપ છે કે તેમણે એપલના એન્જિનિયરોને લાલચ આપીને ઓપનએઆઈમાં લાવવાનો પ્રયાસ કર્યો અને ઇન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારોને એપલના અસલી હાર્ડવેર પાર્ટ્સ સાથે લાવવા દબાણ કર્યું હતું.
-
ચાંગ લિયુ (Chang Liu): ચાંગ લિયુ એપલમાં એક કાબેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. તેમને કંપનીના સૌથી સંવેદનશીલ અને ગુપ્ત હાર્ડવેર પ્રોજેક્ટ્સ પર કામ કરવાની સત્તાવાર જવાબદારી સોંપવામાં આવી હતી. કેસમાં આક્ષેપ છે કે લિયુએ એપલમાંથી રાજીનામું આપ્યા પછી પણ કંપનીની સિસ્ટમમાંથી ગુપ્ત હાર્ડવેર ફાઈલો ગેરકાયદેસર રીતે ડાઉનલોડ કરી લીધી હતી અને OpenAI ને સોંપી દીધી હતી.

OpenAI ના ગુપ્ત હાર્ડવેર પ્રોજેક્ટ પર કેમ ઉઠ્યા સવાલો?
OpenAI એ અત્યાર સુધી સત્તાવાર રીતે એ જાહેર કર્યું નથી કે તે કેવા પ્રકારનું AI ડિવાઇસ કે ગેજેટ બનાવી રહ્યું છે. જોકે, કંપનીના સીઇઓ સેમ ઓલ્ટમેન ભૂતકાળમાં સંકેત આપી ચૂક્યા છે કે તેમનું લક્ષ્ય એક એવું નવું હાર્ડવેર તૈયાર કરવાનું છે જે સ્માર્ટફોનની પરંપરાગત સ્ક્રીન અને ઇન્ટરફેસથી સાવ અલગ હોય. તેઓ એક એવું ડિવાઇસ બનાવવા માંગે છે જેનાથી લોકો સ્ક્રીન તરફ જોયા વિના સીધી જ AI સાથે વાતચીત કરી શકે.
હવે એપલના આ કેસ બાદ ઓપનએઆઈના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર સવાલોના વાદળો ઘેરાયા છે. એપલનું કહેવું છે કે ઓપનએઆઈ જે નવીનતાનો દાવો કરી રહ્યું છે, તેનો પાયો જ નૈતિક અને કાનૂની રીતે નબળો છે, કારણ કે તે એપલની વર્ષોની મહેનત અને સંશોધનોની ચોરી પર આધારિત છે.
કોર્ટમાં જતા પહેલા એપલે કરી હતી વાત, પણ પરિણામ શૂન્ય
એપલે કોર્ટને જણાવ્યું કે આ પગલું ભરતા પહેલા તેણે શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ એપલે સત્તાવાર રીતે OpenAI નો સંપર્ક સાધ્યો હતો અને પોતાના કર્મચારીઓ દ્વારા ડેટા લીક થવા અંગેની ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી. પરંતુ ઓપનએઆઈ તરફથી આ બાબતે કોઈ સંતોષકારક જવાબ કે સહકાર મળ્યો નહોતો.
ત્યારબાદ એપલે પોતાની આંતરિક તપાસ (Internal Investigation) વધુ તેજ કરી, જેમાં કંપનીને તેની ગુપ્ત માહિતીના દુરુપયોગ અને ચોરીના પાકા પુરાવા મળી આવ્યા હતા. આખરે પોતાની વર્ષોની મહેનત, અબજો ડોલરના રિસર્ચ અને ટેક્નોલોજીકલ ઇનોવેશનની રક્ષા કરવા માટે એપલ પાસે અદાલતના દ્વાર ખખડાવવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નહોતો.