સુરતની બહુમાળીની ત્રણેય બિલ્ડીંગો તોડી પાડવા માટે કલેક્ટર પાસે મંજુરી મંગાઈ, 118થી વધારે સરકારી ઓફિસોને શિફ્ટ કરાશે
રિપેરીંગ ખર્ચ વધુ હોવાથી બિલ્ડીંગોને ધ્વસ્ત કરવાનો લેવાયો નિર્ણય
સુરતનાં નાનપુરા વિસ્તારમાં આવેલી 50 વર્ષ જૂની બહુમાળી તોડી પાડવા સરકાર પાસે મંજૂરી માંગવાના આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બહુમાળીના તમામ બ્લોકની 118 ઓફિસ મહિનામાં ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. બહુમાળી કેમ્પસમાં આપેલી ત્રણેય બિલ્ડીંગો ખાલી કરવાનો આદેશ આપવામાં આવતા સરકારી તંત્રમાં દોડધામ વધી જવા પામી છે.
50 વર્ષ જૂની છે બહુમાળી બિલ્ડીંગને ખાલી કરવા માટે સુરત જિલ્લા કલેકટર સરકાર પાસે મંજૂરી માંગવામાં આવી છે.આ પૂર્વે રાજ્ય સરકારનાં માર્ગ અને મકાન વિભાગ સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ માંગ્યો હતો. રિપોર્ટ નેગેટિવ આવતા લોકોની ભારે અવરજવર વાળી બહુમાળી બિલ્ડીંગ ને ખાલી કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. રીપેરીંગ ખર્ચ વધુ હોવાથી ત્રણેય બિલ્ડીંગ તોડી પાડવાનું નક્કી કરીને હવે નવેસરથી નિર્માણ કરવામાં આવે તેવી માહિતી મળી રહી છે.
સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટીવ આવતા સરકારને અહેવાલ મોકલી તોડી પાડવા મંજૂરી મંગાઇ છે. આવતીકાલથી નોટિસ ફટકારવાની શરૂ કરી જે તે કચેરીને અન્ય વ્યવસ્થા કરવા જાણ કરાશે. બહુમાળી કેમ્પસની ત્રણેય બિલ્ડિંગમાં કાર્યરત 118થી વધારે સરકારી ઓફિસો દોઢ મહિનામાં શિફ્ટ કરવા કવાયત જોરશોરથી શરૂ થશે.
જર્જરિત બની ગયેલી ખાનગી મિલકતોને ખાલી કરાવવાની નોટિસ આપવાનું અભિયાન હાથ ધરાયું છે. સુરત શહેર અને જિલ્લામાં કુલ 150 જેટલી સરકારી મિલકતો જર્જરિત બની છે. માર્ગ અને મકાન વિભાગે તાજેતરમાં બહુમાળી સહિત અનેક સરકારી બિલ્ડીગોના તજજ્ઞ ઇજનેરો પાસે સ્ટ્રકચર સ્ટેબિલીટી રીપોર્ટ કરાવ્યા હતા, તે નકારાત્મક આવ્યા હતા. ભવિષ્યમાં કોઇ અનિચ્છિનીય ઘટના ન ઘટે તે માટે માર્ગ અને મકાન વિભાગે અભિયાન ઉપાડી લીધુ છે. સુરતનાં પ્રભારી સચિવ રાજીવ ટોપનોએ સપ્તાહ પહેલાં બોલાવેલી મીટિંગમાં જર્જરિત મિલકતો બાબતે પુછપરછ કરતાં માર્ગ અને મકાન વિભાગનાંસ્થાનિક અધિકારીઓએ 150 મિલકતો જર્જરિત હોવાનો અહેવાલ આપ્યો હતો.