ખેડૂતો માટે રાહતનો સંદેશો, ઓગસ્ટથી વરસાદ વધશે
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે. ઘણા વિસ્તારોમાં હજુ પણ યોગ્ય વરસાદ થયો નથી, જેના કારણે ખેડૂતવર્ગમાં ચિંતા ફેલાઈ છે. હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ સંભાવના વ્યક્ત કરી છે કે અરબ સાગર ફરી સક્રિય બનવા જઈ રહ્યો છે, જે ગુજરાત માટે આશાસ્પદ સમાચાર લઈને આવી શકે છે.
કયારે સક્રિય બનશે અરબ સાગર?
પરેશ ગોસ્વામી જણાવે છે કે અરબ સાગર લગભગ દોઢ મહિના સુધી નિષ્ક્રિય રહ્યો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં માત્ર ઝાપટાં જ પડ્યા છે. હવે 17 ઓગસ્ટથી તે સક્રિય બનશે અને 30 સપ્ટેમ્બર સુધી તેની અસર જોવા મળશે. આ સમયગાળામાં પાણીલાયક વરસાદ પડવાની શક્યતા ઊંચી છે.
રાજ્યમાં હજુ સુધી કેટલો વરસાદ થયો?
પરેશ ગોસ્વામીનાં જણાવ્યા મુજબ, અત્યાર સુધી રાજ્યમાં કુલ વરસાદનો માત્ર 46 ટકા જ વરસાદ નોંધાયો છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાંક ભાગોમાં સારો વરસાદ થયો છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં હાલ વરસાદ ઓછો નોંધાયો છે. ખાસ કરીને ગીર સોમનાથ, પશ્ચિમ સૌરાષ્ટ્ર, રાજકોટના અમુક વિસ્તાર, અને કચ્છમાં પાક તો બચી રહ્યો છે પરંતુ જમીનમાં નવા પાણી ચઢ્યાં નથી.
અત્યાર સુધીનો વરસાદ કેમ ઓછો પડ્યો?
હવામાન નિષ્ણાત જણાવી રહ્યા છે કે અત્યાર સુધીમાં જે વરસાદ પડ્યો છે, તે બધો બંગાળની ખાડીથી આવતી સિસ્ટમના કારણે થયો છે. ચોમાસાની શરૂઆતમાં માત્ર 13 જૂનના રોજ અરબ સાગરમાં એક સિસ્ટમ ઉભી થઈ હતી, જેનો થોડીક અસર 16 જૂનથી જોવા મળી હતી. ત્યારબાદ અરબ સાગરમાં કોઈ સિસ્ટમ સર્જાઈ નથી. પરિણામે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો નથી.
ક્યારેથી પડશે ધોધમાર વરસાદ?
પરેશ ગોસ્વામીના અહેવાલ પ્રમાણે, આગામી 27થી 31 જુલાઈ વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા છે. છતાં, ખરા અર્થમાં પાણીલાયક વરસાદ માટે 17 ઓગસ્ટ પછીનો સમય મહત્વનો રહેશે, કારણ કે ત્યારબાદ અરબ સાગર સક્રિય બનીને રાજ્યના અનેક વિસ્તારોમાં ખેતી માટે જરૂરી પાણી પૂરુ પાડી શકે છે.
ખેડૂતો માટે રાહતનો સંદેશ
હવે સુધી ઓછા વરસાદના કારણે ખેડૂતો ચિંતિત હતા કે પાણી નહીં ચઢે તો રવિ પાક માટે મુશ્કેલી ઊભી થશે. પરંતુ હવે હવામાન નિષ્ણાત દ્વારા આપવામાં આવેલ આ માહિતીથી ખેડૂતો માટે આશાની એક નવી કિરણ છે. અરબ સાગરની સક્રિયતા ફરીથી ગુજરાતમાં ચોમાસાનું બળ વધારી શકે છે.