આજે બેંક જવાનું વિચારી રહ્યા છો? તો પહેલા આ જાણી લો!
જો તમે આજે એટલે કે 23 ઓગસ્ટ 2025 ના રોજ બેંક સંબંધિત કોઈપણ કામ માટે બહાર જવાના છો, તો એકવાર રોકાઈને આ માહિતી વાંચો. ઘણી વખત લોકોને એ વાતને લઈને મૂંઝવણ રહે છે કે શનિવારે બેંકો ખુલ્લી રહેશે કે બંધ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર, દર મહિનાનો બીજો અને ચોથો શનિવાર બેંક રજા હોય છે. જ્યારે પહેલો અને ત્રીજો શનિવાર સામાન્ય કાર્યકારી દિવસો હોય છે. આજે ચોથો શનિવાર હોવાથી, દેશભરમાં તમામ સરકારી અને ખાનગી બેંકો બંધ રહેશે.

ઓગસ્ટ 2025 માં બેંકો ક્યારે બંધ રહેશે?
ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો અને પ્રસંગો આવવાના છે, જેના કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થશે.
- 25 ઓગસ્ટ 2025: આસામમાં મહાન સંત અને વિદ્વાન શ્રીમંત શંકરદેવની પુણ્યતિથિ પર રાજ્યભરમાં બેંકો બંધ રહેશે.
- 27 ઓગસ્ટ 2025: ગણેશ ચતુર્થીના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક (બેંગલુરુ), ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, ગોવા અને આંધ્રપ્રદેશમાં બેંકિંગ સેવાઓ ખોરવાઈ જશે.
- ૨૮ ઓગસ્ટ ૨૦૨૫: ઓડિશામાં નુઆખાઈ અને ગોવામાં ગણેશ ચતુર્થી (બીજો દિવસ) નિમિત્તે બેંકો બંધ રહેશે.

જો બેંકો બંધ હોય તો શું કરવું?
જો તમારે તાત્કાલિક કોઈ નાણાકીય કાર્ય કરવું હોય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બેંક બંધ થવાનો અર્થ એ નથી કે તમારી બધી સેવાઓ બંધ થઈ જશે. નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, UPI, ATM અને વોલેટ જેવી ડિજિટલ સેવાઓ રાબેતા મુજબ સક્રિય રહેશે. તમે મની ટ્રાન્સફર, બિલ ચુકવણી અને રોકડ ઉપાડ જેવી સેવાઓનો લાભ લઈ શકો છો.
જોકે, જો તમારે ચેક જમા કરાવવાનો હોય, ડ્રાફ્ટ કરાવવો હોય, લોનની ઔપચારિકતાઓ પૂર્ણ કરવી હોય અથવા નવું ખાતું ખોલવું હોય, તો તમારે બેંક ખુલ્યા પછી જ આ કાર્યો કરવા પડશે. તેથી તમારું આયોજન તે મુજબ કરો.
