દરિયાના કિનારે વસેલું શ્રદ્ધાનું પવિત્ર સ્થાન
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં પીપાવાવ માર્ગ ઉપર આવેલું બલાડ માતાનું મંદિર અંદાજે ૪૦૦ વર્ષ જૂનું છે. અહીં માતાજી “દરિયાની દેવી” તરીકે જાણીતી છે. મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ હજારો શ્રદ્ધાળુઓ માટે આશ્રય, આસ્થા અને અખંડ ભક્તિનું પ્રતીક બની ચૂક્યું છે.
ચમત્કારથી જોડાયેલી લોકકથા
મંદિરના પૂજારી નિખિલ ત્રિવેદી જણાવે છે કે એક ભક્તે માતાજીને શ્રદ્ધાપૂર્વક દરિયામાં વિસર્જિત કર્યા હતા અને મનમાં વિચાર્યું કે “જોઈએ, મારી માતાજી સાચી છે કે નહીં, જો સાચી હશે તો દરિયામાં નહીં જાય.” અને અદ્ભુત રીતે માતાજી વિરુદ્ધ દિશામાં દરિયાથી બહાર આવી. લોકો આને ચમત્કાર માન્યો અને ત્યાં મંદિરની સ્થાપના થઈ.
દર વર્ષે ઉમટે છે ભક્તોની ભીડ
આજના સમયમાં પણ આ મંદિર લાખો ભક્તોને પોતાની તરફ આકર્ષે છે. દર વર્ષે વિશિષ્ટ તહેવારો દરમિયાન અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે. લોકો ફૂલો, નારિયેળ, ધૂપ-દીવા અર્પી પોતાનું શ્રદ્ધા પ્રગટાવે છે. ભક્તો પોતાની મનોકામનાઓ સાથે અહીં આવે છે અને પુર્તિ બાદ પુન: દર્શન કરવા પણ આવે છે.
ભક્તિ અને શાંતિનો અહેસાસ કરાવતું સ્થાન
દરિયાના એટલા નજીક હોવા છતાં મંદિર વિસ્તાર હંમેશા શાંતિપૂર્ણ રહે છે. પ્રવેશતાજ આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. લોકો પોતાના હૃદયથી ભક્તિ વ્યક્ત કરે છે. અહીં આવીને ભક્તો માટે માત્ર દર્શન જ નહીં, પણ એક આધ્યાત્મિક જોડાણ અનુભવાય છે.
લોકસહયોગથી ચાલતું મંદિરનું સંચાલન
બલાડ માતાનું મંદિર કોઈ એક સંસ્થાની માલિકી નથી, પરંતુ ગામના લોકો અને ભક્તજનોના સહયોગથી ચાલે છે. માતાજી લોકો માટે માત્ર દેવી નહીં, પરંતુ આશા, રક્ષા અને વિશ્વાસનું પ્રતિક છે.
“દરિયાની દેવી” બલાડ માતાનું મંદિર આસ્થાનો અજોડ નમૂનો છે. જ્યાં ઇતિહાસ, ચમત્કાર અને ભક્તિ એકસાથે જીવંત બનીને દેખાય છે. આવી જગ્યા પર એકવાર આવીને માતાજીના દર્શન કરવાથી શ્રદ્ધાનું પ્રમાણ વધે છે..