વહીવટી તંત્રએ રેડ એલર્ટ જાહેર કરી ચેતવણી આપી
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડેલા અવિરત વરસાદે ભારે તબાહી સર્જી છે. ખાસ કરીને ડીસા તાલુકાના દામા, રામપુરા, લક્ષ્મીપુરા, જેનાલ અને વરણ ગામોમાં ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. ખેડૂતોએ મહેનતે વાવેલો મગફળીનો પાક હવે નષ્ટ થવાની કગાર પર છે. સેટેલાઈટ દૃશ્યો અને સ્થાનિક અહેવાલો મુજબ, ખેતરોમાં માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે.
ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું, પશુપાલકોના માર્ગો પણ બંધ
ઘણા ખેડૂતો અને પશુપાલકોને કહેવું છે કે રસ્તાઓ નદી બની ગયાં છે. ચારથી છ ફૂટ પાણીના પ્રવાહને કારણે પશુઓને ચરાવવામાં અને ખેતરો સુધી પહોંચવામાં મુશ્કેલી સર્જાઈ છે. મગફળીના પાકનો નાશ તો થયો જ છે, સાથે સાથે પશુપાલન માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે.
અન્ય તાલુકાઓમાં પણ ભારે નુકસાન, માર્ગો બંધ
ડીસા સિવાય વડગામ, દાંતીવાડા, પાલનપુર, ધાનેરા, લાખણી, દાંતા અને અમીરગઢ તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસવાની પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે અનેક માર્ગો પર ટ્રાફિકજામ જોવા મળ્યો છે. થરાદ, વાવ અને સુઈગામ વિસ્તારમાં પણ પાકને નુકસાન થયું છે.
તાત્કાલિક સહાયની માગ, વહીવટી તંત્રનું એલર્ટ જાહેર
જિલ્લા કલેક્ટરે સવારે 10 વાગ્યે રેડ એલર્ટ જાહેર કરીને લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. વહીવટી તંત્રએ જણાવ્યું છે કે જો જરૂર પડે તો લોકો તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરે. ખેડૂતોએ માગ કરી છે કે તાત્કાલિક સર્વે થઈ સહાય મળે.
ભવિષ્ય માટે પણ ચિંતા ઊભી
ખેડૂતોનો દાવો છે કે વરસાદી પાણીના ભરાવથી જમીન બેરુખી થવાની શક્યતા છે. ખેડૂતોએ સરકારને દાંતીવાડા અને સીપુ ડેમથી કેનાલ દ્વારા પાણી છોડીને તળાવો ભરવાની વ્યવસ્થા કરે તેવી માગણી કરી રહ્યા છે.
તે જમીનની ફળદ્રૂપતા, પશુપાલન, અને ગ્રામિણ અર્થતંત્ર ઉપર પણ લાંબા ગાળાની અસર છોડે તેવી શક્યતા છે. હવે સરકાર અને વહીવટી તંત્ર કેવી રીતે મદદરૂપ બને છે, એ બાબત મહત્ત્વની બની રહેશે.