શાળા નજીક બાંગ્લાદેશ એરફોર્સનું ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, આકાશમાં ધુમાડો ફેલાયો
બાંગ્લાદેશના રાજધાની ઢાકામાં સોમવાર, 21 જુલાઈ 2025ના રોજ એક દુર્ઘટનાજનક ઘટના બની હતી જ્યારે બાંગ્લાદેશ વાયુસેનાનું એક તાલીમ વિમાન શહેરની એક શાળાના નજીક ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને વિદ્યાર્થીઓ ભયભીત થઈ દોડતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વિડિયો અને ફોટાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયા છે, જેમાં આકાશમાં ગાઢ ધુમાડો જોવા મળી રહ્યો છે.
વિમાન સ્કૂલ – કોલેજના નજીક ક્રેશ થયું હતું. ઘટનાના સમયે શાળામાં શિક્ષણ ચાલુ હતું અને અનેક બાળકો વર્ગખંડોમાં હાજર હતા. વિમાન ધરતી પર પડતાં જ ભારે વિસ્ફોટ થયો અને લગભગ તાત્કાલિક ધુમાડાના ગાઢ વાદળો છવાઈ ગયા. વિમાનમાં આગ લાગી ગઈ અને આસપાસના વિસ્તારોમાં ધુમાડાનો દુર્ગંધ પથરાઈ ગઈ.
આ દુર્ઘટનામાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે અને લગભગ 13 લોકો ઘાયલ થયા છે, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પણ સામેલ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને બચાવદળો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો. ઘાયલ લોકોને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટનાગ્રસ્ત વિમાન એ F-7 BGI મોડલનું તાલીમ વિમાન હતું. પ્રાથમિક જાણકારી અનુસાર, ટેકનિકલ ખામીના કારણે વિમાનને નિયંત્રણમાં રાખી શકાયું નહોતું અને અંતે તે શાળાની પાસે આવીને તૂટી પડ્યું. હાલમાં વાયુસેના અને ઢાકા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે વિમાન નીચે પડતાં જ ભયનો માહોલ સર્જાયો હતો અને બાળકો રડતાં અને દોડતાં જોવા મળ્યા હતા. આ ઘટનાએ દેશભરમાં ચિંતા સર્જી છે અને તાલીમ વિમાનો માટેના સુરક્ષા નિયમો પર પ્રશ્નો ઉઠાવ્યા છે.