બારોઈનો પરિવાર સિદ્ધપુર દર્શને ગયો અને પાછળથી તસ્કરોએ ઘરમાંથી ખાતર પાડીને રૂ. 2.43 લાખની ચોરી કરી
મુન્દ્રા તાલુકાના બારોઇ ગામની સોસાયટીમાં રહેતો પરિવાર સિદ્ધપુર ખાતે દર્શન કરવા માટે જતો હતો, આ દરમ્યાન બંધ ઘરના તાળા તોડીને રૂ. 2.43 લાખની તસ્કરી કરવામાં આવી હતી. જે અંગે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી.
સિદ્ધપુર જતી વખતે રાધનપુર પહોંચ્યા ત્યારે જાણ થઈ કે ઘરનું તાળું તૂટેલું છે
આ અંગે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં મનીષ નરેન્દ્રભાઈ પંડ્યાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાનું ઘર બંધ કરીને તેમના ભાઈ અને માતા સાથે સિદ્ધપુર દેવદર્શન કરવા ગયા હતા. તેઓ રાધનપુર પહોંચ્યા ત્યારે તેમના બહેનનો ફોન આવ્યો હતો કે, ઘરના દરવાજાનું તાળું તૂટેલું છે અને રૂમમાં રહેલા કબાટનો સામાન વેર-વિખેર પડયો છે. તેથી તેઓ મુંદરા આવવા પરત ફર્યા હતા,
પરિવારે ઘરે પહોંચીને જોયું તો સામાન વેર વિખેર પડ્યો હતો
પોલીસે આપેલી વિગતો મુજબ, કર્મકાંડી મનીષભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, જ્યારે તેઓ સિદ્ધપુર જવા નીકળ્યા હતા, ત્યારે ઘર બંધ કરીને ચાવી બહાર ડબ્બામાં રાખી હતી અને નવરાત્રિ હોવાથી ઘરમાં અખંડ જ્યોત ચાલુ હોવાથી બનેવીને તે દીવો પ્રજ્વલિત રહે તે જોવા ફોન કરીને જાણ કરી હતી. દરમિયાન, તેઓ રાધનપુર નજીક પહોંચ્યા ત્યારે તેમના બહેનનો ફોન આવ્યો હતો કે, ઘરના દરવાજાનું તાળું તૂટેલું છે અને સામાન વેર-વિખેર પડયો હતો. જેથી તેઓ તાત્કાલિક ઘરે પરત ફર્યા હતા.
જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે રૂમમાં રખાયેલો લોખંડનો કબાટ ખુલ્લો હતો. કબાટનો સામાન વેર-વિખેર પડયો હતો
સોનાની બે વિટીઓ કાનની બુટ્ટીઓ, ચાંદીની ગાયો સહીત મુદ્દામાલ ચોરાયો
તસ્કરો દ્વારા પડાયેલા દરોડામાં કબાટમાં રખાયેલી સોનાની બે વીટી, 10 ચાંદીની ગાય ગૂમ જણાઈ હતી, તો અન્ય રૂમમાં રહેલા લાકડાના કબાટમાં રખાયેલી વસ્તુઓ બહાર પડી હતી અને તેમાં રખાયેલી એક સોનાની ચેન, બે સોનાની વીટી, ચાંદીની બંગડી, સોનાંની એક પોંચી, સોનાની કાનની બૂટી મળી કુલ રૂા. 2,43,200ના દાગીનાની કોઈ ચોર ઈસમ ચોરી કરી ગયો હતો.
પોલીસે ફરિયાદ નોંધી સીસી ટીવી ફુટેજની ચકાસણી કરી
મુંદરા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી સ્થળ પર તપાસ કરવા સાથે આસપાસના વિસ્તારના સીસીટીવી ચકાસવા સાથે કોઈ જાણભેદુએ કૃત્યને અંજામ આપ્યો છે કે કોઈ ચોર ટોળકી સક્રિય થઈ છે તે જાણવા સાથે આરોપીઓને ઝડપી પાડવા પ્રયાસ હાથ ધરાયા છે.