બેન સ્ટોક્સ પાંચમી ટેસ્ટ કેમ નથી રમી રહ્યો?
અહિ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચમી ટેસ્ટ મેચ પહેલા ઇંગ્લેન્ડ માટે એક મોટો ઝટકો આવ્યો છે. ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ આ મહત્ત્વપૂર્ણ મેચમાંથી બહાર થઈ ગયા છે. આ સમાચાર સામે આવતા ચાહકોમાં ચર્ચાનો માહોલ છે અને ઘણા લોકો વિચારતા થયા છે કે શું સ્ટોક્સ પર કોઈ પ્રતિબંધ લાગ્યો છે અથવા ઈંગ્લેન્ડ બોર્ડે કોઈ પગલું ભર્યું છે.
તેમ છતાં, આ અટકળો ખોટી સાબિત થઈ છે. બેન સ્ટોક્સની ટીમમાંથી બહાર જવાનું કારણ રમતગમત સંબંધિત છે, દંડ કે શિસ્તભંગ નહીં. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ નિવેદન આપીને સ્પષ્ટ કર્યું છે કે સ્ટોક્સના જમણા ખભામાં ઈજા છે અને ફિટ ન હોવાને કારણે તેઓ પાંચમી ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી. ઈજાની ગંભીરતા જોઈને ટીમ મેનેજમેન્ટે તેમને આરામ આપવાનો નિર્ણય કર્યો છે.
ઈંગ્લેન્ડ ટીમે આવતીકાલે, 31 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટ માટે પોતાની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી દીધી છે. બેન સ્ટોક્સના સ્થાને વાઇસ-કેપ્ટન ઓલી પોપ ટીમનું નેતૃત્વ કરશે. ઓલી પોપે અગાઉ પણ મિડલ ઓર્ડરમાં સારું પ્રદર્શન કર્યું છે અને હવે તેમની સામે નવી જવાબદારી છે કે તેઓ શ્રેણી જીતે તે સુનિશ્ચિત કરે. હાલ ઇંગ્લેન્ડ શ્રેણીમાં 2-1થી આગળ છે, જ્યારે ભારત માટે આ મેચ ‘કરો અથવા મરો ’ જેવી છે.
બેન સ્ટોક્સ સિવાય ઈંગ્લેન્ડ ટીમમાંથી ત્રણ અન્ય મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ—
જોફ્રા આર્ચર, બ્રાયડન કાર્સ અને લિયામ ડોસન પણ ઈજાના કારણે બહાર થયા છે. તેમના સ્થાને જેકબ બેથેલ, ગુસ એટકિન્સન, જેમી ઓવરટન અને જોશ ટોંગને તક આપવામાં આવી છે.
પાંચમી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન:
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રુક, જેકબ બેથેલ, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગુસ એટકિન્સન, જેમી ઓવરટન અને જોશ ટોંગ.
હવે જોવાનું એ છે કે ભારત અંતિમ ટેસ્ટ જીતીને શ્રેણી સરખી કરી શકે છે કે ઇંગ્લેન્ડ શ્રેણી પોતાના નામે લખાવે છે.