કમોસમી માવઠાથી નુકસાન પામેલા ખેડૂતોને મદદરૂપ થવા ગ્રામ પંચાયત રાત્રે ખુલ્લી
કમોસમી માવઠાના કારણે થયેલા નુકસાન બાદ સરકાર દ્વારા સહાયની જાહેરાત થતા ભેંકરા ગામ સહિત વિસ્તારની ગ્રામ પંચાયતો રાત્રે પણ કાર્યરત જોવા મળી રહી છે. દિવસ દરમિયાન નેટ કનેક્ટિવિટી નબળી રહેવાના અને સર્વર વારંવાર ડાઉન થવાના કારણે ખેડૂતોના ફોર્મ ભરણાની ગતિ ખૂબ ધીમી થઈ જાય છે. આથી શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ગ્રામ પંચાયત રાત્રે ખોલી ખેડૂતોને સહાય ફોર્મ ભરવાની સુવિધા આપવામાં આવી રહી છે, જેથી સમયસર અરજી થઈ શકે.

તાપણાં પાસે બેઠેલા ખેડૂતોની રાત્રિ સુધી ચાલતી રાહ
ભેંકરા ગામના ખેડૂત અરશીભાઈ શ્યોરાએ જણાવ્યું કે તેમના 20 વીઘા વિસ્તારમાં મગફળી સંપૂર્ણ બગડી ગઈ છે. ફોર્મ ભરવા માટે રાત્રે પંચાયત સુધી આવવું પડે છે કારણ કે દિવસ દરમ્યાન સર્વર સતત બંધ રહે છે. ગામ ગીરના જંગલની સરહદે આવેલુ હોવાથી નેટ કનેક્ટિવિટી ખૂબ નબળી મળે છે. એક ફોર્મ ભરવામાં લગભગ 15 મિનિટનો સમય લાગે છે અને અચાનક સર્વર ડાઉન થતાં ઘણા ખેડૂતોએ વારંવાર પ્રયાસ કરવા પડે છે. પરિણામે તાપણાં પાસે બેઠા રહેતા ખેડૂતો મોડી રાત્રિ સુધી ફોર્મ ભરાવતા જોવા મળે છે.

રાત્રિ કામગીરીથી ખેડૂતોએ સહાય મેળવવામાં ઉકેલ મળ્યો
સરકારના કૃષિ સહાય પેકેજ અંગે કેટલાક ખેડૂતોમાં અસંતોષ હોવા છતાં, તંત્ર દ્વારા સહાયની પ્રક્રિયા સુગમ બને તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દિવસ દરમ્યાન સર્વર સમસ્યાઓને કારણે ભારે અગવડતા અનુભવાતા, રાત્રિ કામગીરી દ્વારા ખેડૂતોની મુશ્કેલીઓમાં થોડો ઘટાડો થયો છે. ભેંકરા ગામના 389 ખેડૂત ખાતેદારોમાંથી અત્યાર સુધીમાં 100 જેટલા સહાય ફોર્મ ભરાઈ ચૂક્યા છે, જ્યારે બાકીના ફોર્મ પણ રાત્રિના વાતાવરણમાં તાપણાંની ગરમી વચ્ચે ભરાઈ રહ્યા છે.

