ભરૂચમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન રાષ્ટ્રગીત ગાવાના નિયમોનો ભંગ કરવા મામલે ભાજપના આગેવાન સહિત 11 શખ્સોની ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી હતી.
વિગતો મુજબ ભરૂચમાં રહેતા ઐયુબ ઇબ્રાહિમ પટેલની પુત્રીનો રાત્રીના સમયે લગ્ન પ્રસંગ હતો. લગ્ન પ્રસંગમાં ભાજપના આગેવાનો-કાર્યકરો સહિત 11 જણાએ મંડપમાં જ રાષ્ટ્રગીતનું ગાન શરૂ કર્યું હતું. જેમાં પાંચ શખ્સોએ ખુરશીમાં બેઠા બેઠા જ્યારે અન્ય 5 શખ્સોએ સાવધાન અવસ્થામાં ઉભા રહ્યાં વિના રાષ્ટ્રગીત ગયું હતું. જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં એકશનમાં આવેલી ભરૂચ બી ડિવિઝન પોલીસે જાતે જ ફરિયાદી બની વિડિયોમાં દેખાતાં તમામ 11 લોકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
ઉપરાંત જે મોબાઇલમાં રેકોર્ડિંગ થયું હતું તે મોબાઇલ પણ પોલીસે કબજે કરી મોબાઇલને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે. ત્યારે તેનો રિપોર્ટ આવ્યે તેમની સામેે રાષ્ટ્રદ્રોહની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાશે.
વાયરલ થયેલાં વીડિયોમાં દેખાતાં તમામ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં છે ઝડપાયેલાં પૈકી
સઇદ આદમ રોકડિયા હાલમાં થયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભરૂચના વોર્ડ નંબર 1માં ભાજપ તરફે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ઝૂબેર ઉર્ફે ઇમરાન ઇસ્માઇલ પટેલ ભાજપના લઘુમતિ મોરચાના મહામંત્રી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે જેઓની પુત્રીના લગ્નમાં આ બનાવ બન્યો તે પુત્રીના પિતાઐયુબ ઈબ્રાહીમ પટેલ સહિત જુબેર ઈસ્માઈલ પટેલ,સલીમ અબ્દુલ ધીરા,ઈરફાન મુબારક પટેલ,નાસીર ઈસ્માઈલ સમનીવાલા,વસીમ શબીર નવાબ,ઝુલ્ફીકાર આદમ રોકડિયા,જાવેદ સિદ્દીક ધોળાટ,સઈદ આદમ રોકડિયા,ઉસ્માન ઇસ્માઈલ પટેલ અને સરફરાજ અલી પટેલની અટકાયત કરી હતી.
આ ઘટનાએ ભરૂચ ટાઉનમાં ભારે ચકચાર જગાવી છે.