ગુજરાત કોંગ્રેસના દક્ષિણ ઝોનના ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સહ પ્રભારી બી.એમ.સંદીપજીની હાજરીમાં ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો ઉપર બેઠકોનો દોર શરુ કરવામાં આવ્યો છે.
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે બેઠક મળી હતી,જેમાં વાગરા વિધાનસભા મત વિસ્તારના આગેવાનો તેમજ કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા પૈકી હાલ કોંગ્રેસ પાસે એક માત્ર જંબુસર વિધાનસભા છે જેને વધારી વધુ બેઠકો હાંસલ કરવા કોંગી કાર્યકરોને પ્રદેશના આગેવાનો દ્વારા મહેનત કરવા હાંકલ કરી હતી.
ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારા સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી સંદર્ભે તેમજ સંગઠનને વધુ મજબૂત કરવા 151 વાગરા વિધાનસભા કાર્યકરોની મિટિંગ દક્ષિણ ઝોનના AICC ના સહપ્રભારી, સેક્રેટરી B M સંદિપજી અને ભરૂચ જિલ્લા ના ઇન્ચાર્જ કાશમીરાબેન મુન્શી અને હરેશભાઈ વસાવાની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી.
જેમાં વાગરા વિધાનસભા કોંગ્રેસ સમિતિના આગેવાનો,ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા તેમજ કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલ સહિત
હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ડિજિટલ મેમ્બરશીપ ના સંયોજકો, જિલ્લા/તાલુકા પંચાયત ના ઉમેદવારો, ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખશ્રીઓ, વિવિધ સેલના પ્રમુખશ્રીઓ, સોશિયલ મીડિયા, મહિલા હોદ્દેદારો તેમજ એ.આઈ.સી.સીના સભ્ય સોનલ પટેલ,આકાશ ભાટિયા, પ્રદેશ મહામંત્રી સંદીપસિંહ માંગરોલા અને માનસિંહ ડોડીયા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.