ભરૂચના જંબુસરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. નરી આંખે દેખાતી આગની જ્વાળા માત્ર આગ નથી ધ્યાનથી જુઓ તો આ આગમાં એક શખ્સ બળીને ખાખ થઇ ગયો છે, કંપનીમાં કામ કરતા શખ્સનું આગમાં આખું શરીર ભસ્મિભૂત થઇ ગયું છે, માત્ર શરીરનો હાથ અને માથું દેખાઈ રહ્યું છે.
ઘટના કંઈક એવી છે કે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે આવેલ ક્રેશન ફાઉન્ડરી કંપનીમાં કામ કરતો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો આઝાદ કુમાર ધરમસિંહનું કંપનીના બોઈલર(ભટ્ટી)માં પડી જતા મોત થયું હતું. હવે સવાલ એ થાય છે કે આ વ્યક્તિ આગમાં કેવી રીતે પડી ગઈ.
આ કોઈની ચીતા નથી બળતી પણ એક જીવિત વ્યક્તિ આગમાં બળીને ભડથું થઈ ગઈ છે. કંપનીમાં ખુલ્લેઆમ આગની જ્વાળા નીકળતી ભટ્ટીઓ જોવા મળે છે.
કહી શકાય કે આ કંપની સત્તાધીશોની ગંભીર બેદરકારી સામે આવી છે ક્રેશન ફાઉન્ડરી કંપનીમાં ન તો કોઈ સેફટીના સાધનો છે ન તો કોઈ એમ્બ્યુલન્સ સુવિધા છે.
નિર્દોષ યુવકના મોતના જવાબદારોને ક્યારે જેલ ભેગા કરાશે? કંપની જવાબદારો સામે પોલીસે કાર્યવાહી કેમ ન કરી તે પણ એક સવાલ છે. હાલ તો પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી સંતોષ વ્યક્ત કર્યો છે.
માની લઈએ આ યુવકે આપઘાત કરી લીધો છે પણ આગમાં પોતાની જાતને સ્વાહા કરીને આપઘાત કરવાની થિયરી ગળે ઉતરી રહી નથી. કંપનીમાં ચારેતરફ લપકારા મારતી ભટ્ટીમાં યુવાનના આપઘાતની વાત કોઈક રહસ્ય પર પડદો પાડવા માટેની હોવાની કેફિયત પોલીસ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
કમકમાટીપૂર્ણ ઘટના અંગે કંપની સત્તાધીશોને મીડિયાએ સવાલ કર્યા ત્યારે સેફટી ઓફિસરનો હવાલો આપી પોતાનો લૂલો બચાવ કર્યો હતો. ઘટનાની જાણ થતા વેડચ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી હતી ત્યારે પોલીસ તપાસમાં આ યુવકે આપઘાત કર્યું હોવાનું સામે આવ્યું છે. જેના પોલીસે સી.સી.ટીવી. ફૂટેજ પણ કબ્જે કર્યા છે જેમાં યુવક આપઘાત કરતો નજરે પડે છે તેમ પોલીસનું કહેવું છે. કંપનીના HR નિકુંજ યાદવે મીડિયાને કહ્યું કે યુવાને જમ્પ કર્યો અને આગમાં પડી ગયો. આત્મહત્યા કરી હોવાનું લાગે છે.
મીડિયા દેશની ચોથી જાગીર છે અને તે લોકો સુધી માહિતી પહોંચાડવાનું કામ કરે છે ત્યારે ચોથી જાગીરને આ મામલે પી.એસ.આઈ. એમ.કે. પટેલ દ્વારા દૂર રાખી કોઈપણ જાતની માહિતી આપવામાં ન આવે તે કેટલું યોગ્ય છે, સૌથી દુઃખની વાત એ છે ઘટના ને બે બે દિવસ વીતી ગયા છતાં મીડિયાને આ અંગે માહિતી આપવા તાતાથૈયા કરવામાં આવે આ ઉપરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે પી.એસ.આઈ. એમ.કે. પટેલ કંપની સત્તાધીશોને બચાવી રહયા છે.