મૃતદેહ મળ્યા પછી પોલિસ તપાસ તેજ
ભાવનગર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સમક્ષ આવી છે. વન વિભાગમાં સેવા આપતા આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અધિકારીએ પોતાની પત્ની અને બે બાળકો ગુમ થયા હોવાની જાણ કરતાં પોલીસ તંત્ર સતર્ક બન્યું હતું. તપાસ દરમિયાન ફોરેસ્ટ કોલોનીની નજીક આવેલી અવાવરુ જગ્યામાંથી દુર્ગંધ આવવા લાગતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જમીનમાં ખોદકામ કરાતા એક પછી એક ત્રણ મૃતદેહ મળી આવતા સમગ્ર તંત્ર હકબક્કું રહી ગયું હતું. મૃતદેહોને કબજે લઈ સર ટી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે.
વેકેશન માટે આવેલ પરિવાર ગુમ થતા શંકા વધી
માહિતી અનુસાર, અધિકારી શૈલેષ ખાંભલાની પત્ની નયનાબેન અને બે બાળકો પૃથ્વા અને ભવ્ય સુરતથી વેકેશન માટે ભાવનગર આવ્યા હતા. પાંચ નવેમ્બરના રોજ તેઓ સુરત પરત જવા નીકળ્યા હતા, પણ ત્યાં પહોંચ્યા નહોતા. સાત નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ મથકમાં ગુમ થયાની અરજી આપી હતી. દસ દિવસ સુધી પોલીસે શોધખોળ ચાલુ રાખી, પરંતુ કોઈ માહિતી મળી નહોતી. અંતે ફોરેસ્ટ કોલોની નજીકથી મળેલા મૃતદેહોએ ઘટનાને નવાં વળાંક પર પહોંચાડી છે.
મૃતદેહ દાટી દેવાયેલી જગ્યાની આસપાસ વાસ ફેલાતાં સ્થાનિકો દ્વારા મળેલી માહિતી બાદ પોલીસે આખું તંત્ર હવે તપાસમાં જોડ્યું હતું. ડોગ સ્કવોડ સાથે સ્થળ તપાસ કરતા જમીન ખોદકામ શરૂ થયું અને એક પછી એક ત્રણેય મૃતદેહ મળ્યા હતા. મૃતદેહોની ઓળખ કરતાં સમજાયું કે તે ગુમ થયેલા પરિવારના હતા. આ સાથે જ તપાસ વધુ ગંભીર બની ગઈ છે.
પતિની ભૂમિકા શંકાસ્પદ બનતી જાય છે
ગુમ થયાની અરજી આપ્યા પછી ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા ભરતનગર પોલીસ પાસે તપાસની પ્રગતિ જાણવા આવ્યા હતા. તેમને સુરત કામ હોવાથી જવું છે એવું જણાવી સુરત જવાની મંજૂરી પણ મેળવી હતી. પરંતુ ત્યારબાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેમને સુરતમાંથી પકડી લીધા છે. તપાસ દરમિયાન શૈલેષના નિવેદનોમાં અસંગતતા જોવા મળતાં તેમની ભૂમિકા વધુ શંકાસ્પદ બની રહી છે.

શંકાનો મુખ્ય આધાર – મોકલાયેલ મેસેજ
પોલીસ સૂત્રો મુજબ, પાંચ નવેમ્બરના રોજ ખાંભલાએ પોતાની પત્નીના ફોનમાંથી પોતાના નંબર પર એક મેસેજ મોકલ્યો હતો. મેસેજમાં લખેલું હતું કે “હું મારા બાળકોના સાચા પિતા પાસે જઈ રહી છું, અમને શોધશો નહીં.” આ મેસેજ પોલીસ અને પરિવારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ હતા તેવી શક્યતા છે. આ મેસેજ કેસનો સૌથી મહત્વનો તબક્કો બની શકે છે અને તપાસ હવે આને કેન્દ્રમાં રાખીને આગળ વધી રહી છે.
હત્યા અને સંડોવણી અંગે તપાસ ચાલુ
પોલીસ હાલમાં પ્રથમ મૃતદેહોના પેનલ પીએમની રાહ જોઈ રહી છે, જેથી મૃત્યુનું કારણ સ્પષ્ટ થઈ શકે. ઓફિસર્સનું કહેવું છે કે અધિકારી હજી મુખ્ય શંકાસ્પદ છે, પરંતુ તેના સિવાય અન્ય કોઈની ભૂમિકા છે કે કેમ તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહો દાટેલી જગ્યાની નજીક જ અધિકારીનું નિવાસ હોવું પણ મહત્વની વાત ગણાઈ રહી છે.


