રાજ્યમાં ભાવનગરની ગાંધી મહિલા કોલેજના પ્રિન્સિપાલ દ્વારા એક નોટિસ જાહેર કરી ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવવા માટે
વિદ્યાર્થિનીઓને ફરજિયાત કોલેજ આવવા જણાવી નોંધણી માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો અને મોબાઈલ ફોન લઈ આવવાનું કહેતા હ વિવાદ ઊભો થયો હતો, અને આ મામલે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ થતા આખરે આચાર્યને પોતાની ભૂલ સમજાતાં તેમણે સામેથી રાજીનામું આપી દીધું છે.
ભાવનગર શહેરમાં શ્રીમતી ન.ચ.ગાંધી અને ભા.વા ગાંધી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજનાં આચાર્યએ ગત તારીખ 24 જૂન 2022ના રોજ એક નોટિસ જાહેર કરી વિદ્યાર્થિનીઓને ભાજપના પેજ કમિટીમાં સભ્ય બનવા આદેશ કરવામાં આવ્યો હતો. એને લઈ વિવાદ શરૂ થયો હતો અને સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે રાજકારણ ગરમાયું હતું. આ નોટિસમાં વિદ્યાર્થિનીઓને નોંધણી માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો તથા મોબાઈલ ફોન પણ ફરજિયાત લાવવા એમ જણાવ્યું હતું.
ત્યારબાદ હોબાળો મચતા આખરે આચાર્યએ રાજીનામુ આપી દીધું છે.
કોલેજના ટ્રસ્ટી એ આ આચાર્યની વ્યક્તિગત ભૂલ જણાવી કોલેજ ને રાજકારણ સાથે નહિ જોડવા જણાવ્યું હતું.
કોલેજના ટ્રસ્ટી ડોક્ટર ધીરેન વૈષ્ણવે જણાવ્યું હતું કે આચાર્યને કોઈનો દોરીસંચાર હતો અને તેમને કોમ્પ્યુટરમાં લખાણ કરીને તેનો ફોટો પાડીને માત્ર સોશિયલ મીડિયા મારફત વિદ્યાર્થિનીઓને મોકલવામાં આવ્યો છે.
તેઓએ વ્યક્તિગતરીતે આ કામ કર્યું છે અને તેમનાથી આ ભૂલ થઈ ગઈ છે, જેને લઈ તેમણે સામેથી રાજીનામું મૂકી દીધું છે,કોલેજ જવાબદાર નથી.