નારાણપરના ખેડૂત પાસે રૂ. ૩ લાખની ખંડણી માંગનાર ભુજનો પત્રકાર પકડાયો
ભુજ તાલુકાના નારાણપર (પસાયતી) ગામના ખેડૂત પાસે જમીનની નોંધો રદ કરાવવાની ધમકી આપીને રૂ.૧ લાખ લઇ લીધા બાદ વધુ એકવાર રૂ. ૩ લાખની ખંડણી માંગી હતી. જે આપવાના બદલે ખેડૂતો માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને પકડી પાડ્યો છે. ફરિયાદમાં ખેડૂતે એવો આરોપ લગાવ્યો હતો કે, શખસ પત્રકાર તેમજ આરટીઆઇ એક્ટિવીસ્ટ તરીકેની ઓળખ આપીને વર્ષ ૨૦૨૩થી ખેડૂતની પાછળ પડી ગયો છે.
ખેડૂતની મેઘપર તથા કેરાની જમીનોની નોંધ રદ કરાવવા અરજી કરવામાં આવી હતી
આ અંગે શિવજી લાલજી પિંડોરિયાએ માનકુવા પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પત્ની પ્રેમબાઇના નામે ભુજ તાલુકાના મેઘપર તથા કેરામાં જમીનો આવેલી છે. જે જમીનો પરની નોંધોને રદ કરાવવા માટે વર્ષ ૨૦૧૦માં ફરિયાદીના ગામના અરવિંદ નાનજી કેરાઈ નામના શખસે કલેક્ટરમાં અરજી કરી હતી. જેમાં બાદમાં કલેક્ટરે અરજીનો નિકાલ કર્યો હતો.
લેન્ડગ્રેબિંગના કેસમાંથી બચવા માટે અગાઉ રૂ.૧ લાખ ખેડૂત પાસેથી લઇ લીધા હતા
નારાણપર ગામના ફરિયાદી શિવજી લાલજી પિંડોરિયાએ નારાણપર (રાવરી)માં આવેલી જમીનની લાગુ સરકારી પડતર જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હોવા અંગે અરજી પત્રકાર નવીનગિરિ ગોસ્વામીએ થોડા સમય પહેલાં કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. બાદમાં નવીનગીરી નારાણપરમાં આવેલી શિવજીભાઇની ઓફિસે જઇને લેન્ડગ્રેબિંગ એક્ટનો ગુનો નોંધવા માટે અરજી કરી હોવાનું કહીને તે કેસમાંથી જો બચવું હોય તો રૂ.૧ લાખ આપવા પડશે તેમ કહેતાં શિવજીભાઇએ ઓફિસમાં તે જ દિવસે રૂ.૧ લાખ આપી દીધા હતા. I
નારાણપરના ખેડૂત પાસે બીજીવાર રૂ.૩ લાખ માંગવામાં આવ્યા
ઓગસ્ટ ૨૦૨૫માં આ જમીન પરના દબાણ અંગે અરજી કરવામાં આવી હતી. જે અંતર્ગત ડીઆઇએલઆર તથા પોલીસ સાથે માપણી કરવા માટે નવીનગિરિ શિવજીભાઇની વાડીએ ગયો હતો. પોલીસ તેમજ ડીઆઇએલઆરની ટીમના કર્મચારીઓ ગયા બાદ નવીનગિરિએ શિવજીભાઇને આ જમીન પરની તમામ નોંધો રદ કરાવીને જમીનને સરકારમાં ચડાવી દઇશ તેમ કહીને વધુવાર રૂ.૩ લાખ માંગ્યા હતા. તેથી તેની સામે માનકુવા પોલીસે ૩૦૮ (૨), (૬) અને ૬૨ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવતાં તપાસ કરીને આરોપી નવીનિગરિ ગોસ્વામીને પકડી પાડવામાં આવ્યો હતો.