ભુજ નગરપાલિકાની નવી ઈમારત ‘અટલ ભવન’નું ૨૮મીએ લોકાર્પણ કરાશે
ભુજમાં નગરપાલિકાની રૂ. 4.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલી ભવ્ય ઇમારતનું તા.૨૮-૯-૨૦૨૫ના સવારે ૧૦:૩૦ વાગ્યે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટશે. ભુજના ઘનશ્યામ નગરમાં સ્થિત નગરપાલિકાના નવા સંકુલમાં વિવિધ પ્રકારની આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
નવા સંકુલમાં વિવિધ પ્રકારની આધુનિક સુવિધાઓ વિકસાવાઇ
શહેરી વિકાસ 4.50 કરોડની ગ્રાન્ટમાંથી ૩૦,૦૦૦ સ્કવેર ફૂટના બાંધકામ સાથે તૈયાર થયેલા નગર સેવા સદન સંકુલમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ હશે. સંકુલ ફાયર સેફ્ટીથી સજ્જ કરાયું છે. છતને વૉટર પ્રૂગિથી સુરક્ષિત કરવામાં આવી છે. પાણી ઉપલબ્ધ રહે તે માટે ૨ રિચાર્જેબલ બોરવેલ બનાવાયા છે. વિશાળ પાર્કિંગ સાથે સમગ્ર સંકુલ સી. સી.ટી.વી. કેમેરાથી સજ્જ બનાવાયું છે, સમગ્ર સંકુલમાં ૩૦ અલગ-અલગ ચેમ્બર સાથે સામાન્ય સભા માટે વિશાળ હોલ બનાવાયો છે. દરેક માળ પર શૌચાલયની સુવિધા, દિવ્યાંગો,
સિનિયર સિીટીઝન સહિતના અરજદારો માટે લિફ્ટની સુવિધા કરાઈ છે.
નગરપાલિકાની ભુજમાં આવેલી તમામ મિલકતો સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે
ભુજ શહેરમાં આવેલી નગરપાલિકાની તમામ મિલકતોમાં લાગેલા સી.સી.ટી. વી. કેમેરાના મોનિટરિંગ માટે ખાસ કંટ્રોલ રૂમ પણ નૂતન નગર સેવા સદન ખાતે તૈયાર કરાયું છે. આગામી દિવસોમાં ભુજ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે તેવી આશા સાથે જ નૂતન સંકુલને સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
ભુજ પાલિકાની નવી ઇમારતનું અટલ ભવન નામકરણ કરાશે
ભુજ નગરપાલિકાની નવી ઇમારતને અટલ ભવન નામ આપવામાં આવશે. હાલ કર્મચારીઓ દ્વારા નવી બિલ્ડિંગમાં માલ-સામાન ગોઠવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. નગરપાલિકા હંગામી કચેરી ભાડાની કચેરીમાં કાર્યરત છે, ત્યારે ત્યાંથી સ્થળાંતર કરવાની કામગીરીને લઇને આજે શુક્રવારે તા. ૨૬નાં કચેરીની વહીવટી કામગીરી પણ બંધ રાખવામાં આવી છે. શનિવારે જાહેર રજાના દિવસે પણ સ્થળાંતરની કામગીરી ચાલુ રહેશે. જ્યારે તા. ૨૯ને સોમવારથી કચેરી રાબેતા મુજબ નવી બિલ્ડિંગમાં ધમધમતી થઈ જશે.
કર્મચારીઓ તેમજ અરજદારોને કંઈપણ મુશ્કેલી ના પડે તે પ્રકારનું આયોજન કરાયું
ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જૂની કચેરીને દૂર કરીને તેની જગ્યાએ જ રૂ. ૪.૫૦ કરોડનાં ખર્ચે ગ્રાઉન્ડ ફ્લોર સાથે બે માળની નવી કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારની સુવિધાઓને ધ્યાને લેવામાં આવી છે. કર્મચારીઓ તથા અરજદારોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ વધારાનો કોઈ ખર્ચ ન થાય તે માટે પાલિકા દ્વારા ફર્નિચર, એસી, ટેબલ સહિતનો જૂના માલસામાનનો જ ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય જે નવી વસ્તુઓની જરૂરિયાત હતી તેમાં ૨૨ મોટા ટેબલ, ૬૬ જેટલી નાની રોલિંગ ચેર, ફાઈ લો રાખવા માટે ૩૩ નંગ થોડા, ૩૦ જેટલી નાની ટેબલો અને ૩૧ જેટલા કબાટ અલગ અલગ બેંક દ્વારા આપવામાં આવ્યા છે, જેને કારણે કોઈપણ પ્રકારનો ખર્ચ પાલિકામાંથી થયો નથી.
વાહનો માટે અલાયદું પાર્કિંગ તેમજ અરજદારો માટે શેડની વ્યવસ્થા
ભુજ નગરપાલિકાની નવી કચેરીમાં આરસીસીથી સજ્જ પાર્કિંગની પણ અલાયદી વ્યવસસ્થા ઊભી કરાઇ છે તેમજ શેડ પણ બનાવવામાં આવ્યા છે. જેના કારણે અરજદારોને તડકામાં પરેશાની ભોગવવી નહીં પડે બાજુમાં બગીચાને પણ રંગરોગાન સાથે સજ્જ કરવામાં આવ્યો છે. ત્યાં પણ અરજદારો આરામથી બેસી શકશે. સમગ્ર સંકુલમાં ફાયર સિસ્ટમ પણ અલગથી લગાવવામાં આવી છે.
મુખ્ય દરવાજે લાગેલી ભારત માતાની આકર્ષક વિશાળ પ્રતિમા સૌનું ધ્યાન ખેંચશે
નવી ઇમારતના મુખ્ય દરવાજે લાગેલી ભારત માતાની વિશાળ પ્રતિમા સૌનું ધ્યાન ખેંચશે જ્યારે પહેલા માળે સરદાર પટેલની થ્રીડી પ્રતિમા મૂકવામાં આવશે. આ સિવાય આગામી દિવસોમાં મડવર્ક દ્વારા સમગ્ર કચેરીને કચ્છી ટચ આપવામાં આવશે. બિલ્ડિંગના આગળનાં ભાગે તિરંગાના રંગની લાઇટો પણ ફીટ કરવામાં આવી છે.
મહારાવ દ્વારા બનાવયેલા અવાળાની વર્ષો જૂની તાંબાની તક્તીને નવી ઇમારતમાં સ્થાન અપાશે
હાલમાં હંગામી નગરપાલિકા કચેરીમાંથી અઘતન ઇમારતમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ સ્થળાતરની કામગીરી દરમ્યાન વર્ષો જુની તાંબાની તક્તી પણ મળી આવી છે. જે તે સમયે મહારાવ દ્વારા કચેરીની આસપાસ ગાયનો અવાડો બનાવી દેવામાં આવ્યો હતો. તે સમયની ૧૯૪૭ હાથેથી કોતરેલી તક્તી મળી આવતાં તેને પણ ઇમારતમાં સ્થાન અપાશે તેવું જાણવા મળ્યું હતું.