ભુજમાં ગુનેગારોને મોકળું મેદાન નહીં, મોડી રાત્રે પણ પોલીસની ચાંપતી નજર.
નવરાત્રી તહેવાર ચાલી રહ્યો છે ત્યારે ખેલૈયાઓ અને ખાસ કરીને મહિલાઓ પણ ડર રાખ્યા વિના સલામત રીતે ઘરેથી નવરાત્રીમાં અને નવરાત્રીમાંથી ઘરે પરત ફરી શકે, કોઈને અનિચ્છનીય બનાવ ન બને તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવાનો નિર્ણય કરાયો હતો.
મહિલા સુરક્ષા સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું
પશ્ચિમ કચ્છ જિલ્લામાં પોલીસ મહાનિરીક્ષક (સરહદી રેન્જ) ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુડાંના આદેશના પગલે કડક પગલા હાથ ધરવામાં આવ્યા છે.
જેમાંએલ.સી.બી. ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. જેઠી તથા પો.સબ.ઇન્સ્પેક્ટર જે.બી. જાદવની આગેવાનીમાં કુલ ૦૯ મોબાઇલ વાહનોની ટીમો તૈયાર કરવામાં આવી છે. જેમાં એલ.સી.બી., એસ.ઓ.જી., એલ.આઇ.બી. તથા મહિલા પોલીસકર્મીઓ સાથે હથિયારબંધ પોલીસનો સમાવેશ થાય છે.
નવરાત્રી દરમ્યાન દરરોજ રાત્રે 6 કલાક સઘન પેટ્રોલિંગ કરાશે
તમામ ટીમો દરરોજ રાત્રે ૧૧ થી સવારે ૫ વાગ્યા સુધી ભુજ શહેર અને આજુબાજુના વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરશે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. તાત્કાલિક મદદ માટે પોલીસ કંટ્રોલ રૂમ નંબર ૦૨૮૩૨-૨૫૦૯૬૦ અને હેલ્પલાઇન ૧૧૨ પર સંપર્ક કરી શકાય છે તેવું જણાવાયું હતું.