પોલીસ ફરીયાદમાં નામ આવ્યા બાદ ગુજરાત ભાજપે 24 કલાક બાદ કચ્છ ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. જોકે, ભાજપે છબીલ પટેલને સસ્પેન્ડ કરવાનું કારણ દર્શાવ્યું ન હતું. છબીલ પટેલનું નામ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યામાં સંડોવાયેલું છે. જયંતિ ભાનુશાળીને આઠમી જાન્યુઆરીએ ચાલુ ટ્રેનમાં ગોળી મારી દેવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું જયંતિ ભાનુશાળીના હત્યારાઓ છબીલ પટેલના કચ્છના વેરડી ખાતેના ફાર્મ હાઉસમાં રોકાયા હતા.
ભાજપ દ્વારા પ્રસિદ્વ કરાયેલા સ્ટેટમેન્ટમાં જણાવાયું છે કે ભાજપના પ્રદેસ પ્રમુખ જીતુ વાઘાણીની સૂચનાથી ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 2012માં છબીલ પટેલે કોંગ્રેસમાંથી જયંતિ ભાનુશાળી સામે ઉમેદવારી કરી હતી અને ભાનુશાળીને પરાજય આપ્યો હતો. બાદમાં 2014માં ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. રાજકીય હરીફો હોવાથી ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે તણખા ઝર્યા કરતા હતા અને આખરે મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો.
છબીલ પટેલ અને ભાનુશાળીનું નામ નલિયા સેક્સ કાંડમાં પણ સંડોવાયું હતું અને બન્ને નેતાઓએ એકબીજાની સેક્સ સીડી પણ ફરતી કરી હતી. આ માટે મનિષા ગોસ્વામી નામની મહિલાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પોલીસ જણાવી રહી છે.
પોલીસના દાવા મુજબ છબીલ પટેલ બીજી જાન્યુઆરીએ મસ્કત ભાગી ગયો હતો અને આઠમી જાન્યુઆરીએ જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી. મનિષા ગોસ્વામી અને છબીલના હત્યાના મુખ્ય સૂત્રધાર તરીકે પોલીસે ફરીયાદમાં નામ દાખલ કર્યા છે. આ ઉપરાંત પોલીસે છબીલ પટેલના બિઝનેસ પાર્ટનર નીતિન પટેલ અને રાહુલ પટેલની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.