સાયબર ગુનાઓમાં તેલંગાણા અને કર્ણાટક આગળ; નકલી સમાચારમાં તેલંગાણા ટોચ પર
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ આંકડા જાહેર કર્યા ૨૦૨૨માં ૬૫,૯૮૩ કેસો સામે ૨૦૨૩માં ૮૬,૪૨૦ કેસો નોંધાયાઃ ૨૦૨૩માં કર્ણાટકમાં ૧૮,૨૩૬ કેસો
નવી દિલ્હી, : નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના તાજેતરના અહેવાલ મુજબ ૨૦૨૨ની સરખામણીમાં ૨૦૨૩માં સાયબર ગુનાઓમાં ૩૧ ટકાનો આશ્રર્યજનક વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૨માં ૬૫,૯૮૩ કેસો નોંધવામાં આવ્યા હતાં જેની સામે ૨૦૨૩માં ૮૬,૪૨૦ કેસો નોંધવામાં આવ્યા છે.
સાયબર ક્રાઇમ: 2023 માં 86,420 કેસ નોંધાયા (NCRB)
ગુનાનો દર ૨૦૨૨માં ૪.૮ ટકા હતો જે ૨૦૨૩માં વધીને ૬.૨ ટકા થઇ ગયો છે. આ ક્રાઈમ રેટ દર લાખની વસ્તી દીઠ ગુનાઓની સંખ્યા માપે છે.
સાયબર અપરાધીઓનો પ્રાથમિક ઉદેશ નિર્દોષ નાગરિકો સાથે છેતરપિંડી કરવાનો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ક્રોધ અને વ્યકિતગત બદલો લેવાના ઉદ્દેશથી ૨૦૨૩માં ૨૨૨૮ સાયબર અપરાધ કરવામાં આવ્યા હતાં. જ્યારે ૨૦૫ કેસોની પાછળ રાજકીય ઉદ્દેશ હતો. ક્રાઈમ રેટ અનુસાર તેલંગણા ૧૮૨૩૬ કેસો અને ક્રાઈમ રેટ ૪૭ સાથે ચિંતાજનક આંકડાઓમાં સૌથી ઉપર રહ્યું છે. કર્ણાટકમાં ૩૨.૩ ક્રાઈમ રેટ અને ૨૧,૮૮૯ કેસો નોંધવામાં આવ્યા છે.
તેલંગણામાં ચાર્જશીટનો રેટ ૨૦.૯ ટકા જ્યારે કર્ણાટકમાં ચાર્જશીટનો રેટ ૧૮.૧ ટકા છે. ઉત્તર પ્રદેશમાં ૧૦,૭૯૪ કેસો નોંધવામાં આવ્યા છે અને તેનો ક્રાઈમ રેટ ૪.૬ ટકા રહ્યો છે.
એનસીઆરબીના આંકડા અનુસાર તેલંગણામાં સોશિયલ મીડિયામાં નકલી સમાચારો ફેલાવવાના ૯૮ કેસો સામે આવ્યા છે જે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નોંધાયેલા કુલ ૨૦૯ કેસોથી લગભગ અડધા છે.
મિઝોરમમાં ૩૧ અને પુડુચેરીમાં ૧૪૭ કેસો નોંધવામાં આવ્યા છે. જ્યારે આ બંનેમાં ચાર્જશીટનો દર ૧૦૦ ટકા રહ્યો છે. ૨૦ લાખથી વધુ વસ્તી ધરાવતા મોટા શહેરોમાં ૨૦૨૩માં કુલ ૩૩,૯૫૫ સાયબર ક્રાઈમના કેસો નોંધવામાં આવ્યા હતાં. જે ૨૦૨૨ની સરખામણીમાં ૩૯ ટકા વધુ છે. ૨૦૨૨માં ૨૪,૪૨૦ કેસો નોંધવામાં આવ્યા હતાં.