નાનકડી સાવચેતી, મોટી જાનહાનિથી બચાવ: ધારાસભ્યએ સમજાવ્યું રેડિયમ સ્ટીકરનું મહત્વ
નખત્રાણા તાલુકાના નાગવીરી અને ખીરસરા ગામ વચ્ચેના માર્ગ પર ધારાસભ્યના પ્રવાસ દરમિયાન એક પ્રશંસનીય ઘટના સામે આવી હતી. રાત્રિના સમયે પ્રવાસ દરમ્યાન માર્ગ પર આગળ જઈ રહેલી એક ગધેડા ગાડીમાં કોઈપણ પ્રકારનું રેડિયમ કે પ્રતિબિંબિત સાધન લગાવેલું ન હોવાનું ધ્યાનમાં આવતા ધારાસભ્યએ તરત જ પોતાનું વાહન રોક્યું હતું. અંધારામાં કોઈપણ વાહન ચાલકને ગધેડા ગાડી દેખાઈ ન શકે અને ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખી ધારાસભ્ય સ્વયં ગાડીમાંથી નીચે ઉતર્યા હતા.
તેમણે ગધેડા ગાડીના ચાલક સાથે વાતચીત કરી રાત્રિના સમયે રેડિયમ સ્ટીકર લગાવવાની આવશ્યકતા સમજાવી હતી. સાથે જ માર્ગ સલામતીનું મહત્વ સમજાવી, નાનકડી સાવચેતીથી મોટી જાનહાનિ ટાળી શકાય છે તે બાબત પર ભાર મૂક્યો હતો. ધારાસભ્ય દ્વારા ગધેડા ગાડી પર તરત જ રેડિયમ લગાવી દેવાતા તે વાહન હવે દૂરથી સ્પષ્ટ દેખાય તેવી વ્યવસ્થા થઈ હતી. ધારાસભ્યની આ માનવીય પહેલથી માર્ગ પર ચાલતા નાગરિકોમાં સલામતી અંગે જાગૃતિ ફેલાઈ હતી.
