UNGAના મંચ પર મોટો ખુલાસો, “ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને જ યુદ્ધવિરામની અપીલ કરી હતી”
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના મંચ પર એક મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાને જ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન યુદ્ધવિરામ માટે અપીલ કરી હતી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં આ વાત જણાવી છે.
ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના નિવેદન પર આકરો વાંધો ઉઠાવતા સ્પષ્ટ કર્યું છે કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનની સેનાએ જ સંઘર્ષ રોકવા માટે અપીલ કરી હતી, અને ભારત-પાકિસ્તાન વચ્ચેના કોઈપણ મામલામાં કોઈ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા ન હોઈ શકે.
ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ પેટલ ગહલોતએ આ પ્રતિક્રિયા ત્યારે આપી જ્યારે શરીફે પોતાના ભાષણમાં કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરતા ગહલોતે કહ્યું, “આ સભામાં આજે પાકિસ્તાનના વડાપ્રધાનનું એક બેહુદું નિવેદન સાંભળવા મળ્યું. તેમણે ફરી એકવાર આતંકવાદના ગુણગાન ગાયા, જે પાકિસ્તાનની વિદેશ નીતિનો મૂળ આધાર છે.”
પાકિસ્તાને કરેલો દાવો
શરીફે પોતાના ભાષણમાં દાવો કર્યો કે પાકિસ્તાન ભારત સાથેના તમામ બાકી મુદ્દાઓ પર “સંકલિત, વ્યાપક અને પરિણામલક્ષી” વાતચીત માટે તૈયાર છે, અને સાથે જ જમ્મુ-કાશ્મીરની સ્થિતિને લઈને ભારતની આલોચના પણ કરી. તેમણે એવું પણ કહ્યું કે ટ્રમ્પના પ્રયાસોએ દક્ષિણ એશિયામાં સંભવિત યુદ્ધને ટાળવામાં મદદ કરી, અને પાકિસ્તાને તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે.
ભારતે કર્યું હતું ‘ઓપરેશન સિંદૂર’
ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા એક આતંકવાદી હુમલા બાદ, ભારતે 6 મેની રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સ્થિત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ભારત વારંવાર એ વાત દોહરાવતું આવ્યું છે કે યુદ્ધવિરામની સહમતિ બંને દેશોની સેનાઓના ડીજીએમઓ (DGMOs) વચ્ચેની સીધી વાતચીત બાદ બની હતી… ન કે કોઈ બાહ્ય મધ્યસ્થીના કારણે.