એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટના: પાયલટના પિતાને SCની રાહત, કહ્યું- ‘મન પર બોજ ન રાખો, તમારા દીકરાનો વાંક નથી’
એર ઈન્ડિયાના દિવંગત પાયલટ સુમિત સબરવાલના ૯૧ વર્ષીય પિતા પુષ્કર રાજ સબરવાલે શુક્રવારે (૭ નવેમ્બર, ૨૦૨૫) સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસની માગ કરી છે. તેમણે કોર્ટમાં જણાવ્યું કે ટેક્નિકલ ખામીઓને અવગણીને સમગ્ર દોષ પાયલટો પર ઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને DGCAને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. કોર્ટે પાયલટના વૃદ્ધ પિતાને ભાવનાત્મક રાહત આપતા કહ્યું કે તેમને મનમાં એવો બોજ ન રાખવો જોઈએ કે તેમના પુત્રને દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પ્રારંભિક તપાસમાં આવું કોઈ નિષ્કર્ષ કાઢવામાં આવ્યું નથી અને વિદેશી મીડિયામાં પ્રકાશિત અહેવાલો ખોટા છે.

SC નો મોટો ચુકાદો
કોર્ટે ટિપ્પણી કરી કે આ મામલે પાયલટને દોષી ઠેરવી શકાય નહીં અને આ એક દુર્ઘટના હતી.
- તપાસમાં નિષ્પક્ષતાની માગ: પાયલટના પિતાની અરજીમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીની તપાસ નિષ્પક્ષ રહી નથી અને ટેક્નિકલ ખામીઓને બાજુ પર મૂકીને પાયલટોને દોષ આપવાનો પ્રયાસ થયો છે.
- અગાઉની નારાજગી: ૨૨ સપ્ટેમ્બરની સુનાવણીમાં પણ સુપ્રીમ કોર્ટે તપાસ રિપોર્ટના અમુક ભાગોને પ્રકાશિત કરીને પાયલટની ભૂલને હાઇલાઇટ કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી અને સંપૂર્ણ ગોપનીયતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
- કોકપીટની વાતચીત: કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં તપાસ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયેલી પાયલટ કેપ્ટન સુમિત સબરવાલ અને ક્લીવ કુન્દર વચ્ચેની વાતચીતનો ઉલ્લેખ હતો, જેમાં એક પાયલટે ‘ફ્યુલ કટ-ઓફ કેમ કર્યું’ તેમ પૂછ્યું હતું અને બીજાએ ‘મેં નથી કર્યું’ તેમ જવાબ આપ્યો હતો.

દુર્ઘટનાનો ઘટનાક્રમ:
- તારીખ: ૧૨ જૂન (૨૦૨૫)
- વિમાન: બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર
- ફ્લાઇટ: અમદાવાદથી લંડન જઈ રહી હતી.
- ક્રેશ સ્થળ: અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટો બાદ મેઘાણીનગર વિસ્તારમાં આવેલી એક મેડિકલ કોલેજની મેસ પર ક્રેશ થયું.
- જાનહાનિ: પ્લેનમાં સવાર પાયલટ, ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો સહિત ૨૪૧ લોકોનાં મોત થયાં. જહાજ જ્યાં પડ્યું ત્યાં પણ ૧૯ લોકો માર્યા ગયા હતા. માત્ર એક મુસાફર જીવિત બચ્યો હતો.
સુપ્રીમ કોર્ટ આ અરજીને પહેલાથી પેન્ડિંગ અન્ય અરજી સાથે સાંભળશે અને આ મામલે ૧૦ નવેમ્બરના રોજ વધુ સુનાવણી થશે.
