ભાજપ સંગઠનને લઈ સૌથી મોટા સમાચાર, નવી ટીમમાં થશે ધરખમ ફેરફારો, સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાત સુધીનાં આ નામો આવ્યા ચર્ચામાં
ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ(પંચાલ) ચાર્જ સંભાળતાની સાથે પોતાની ટીમને વેગવંતી બનાવવાનું કામ શરુ કરી દીધું છે. દિવાળી ટાણે જ નવી નિમણૂંકો કરી દેવા માટે મેરેથોન ચર્ચા કરવામાં આવી રહી છે. જગદીશ વિશ્વકર્મા(પંચાલ) દ્વારા ઉભા કરવામાં આવનારા સંગઠનનનાં માળખા અંગે કેટલાક નામોની ચર્ચા અને અટકળો ઝડપી બની છે.
ભાજપ સૂત્રોની વાત માનીએ તો નવવિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ભાજપ હાઈકમાન્ડ પદાધિકારીઓના નામને લઈ સતત સંપર્કમાં છે અને હાઈકમાન્ડના સીધા નિર્દેશ પ્રમાણે સંગઠનની રચનાને આખરી ઓપ આપી રહ્યા છે. મોટાભાગે સંભવત: દિવાળી પહેલાં જ સંગઠનનાં નવા માળખાની જાહેરાત કરવામાં આવી શકે છે.
સૌરાષ્ટ્ર પંથકમાંથી પ્રદેશ મહામંત્રીના હોદ્દા માટે ડો. ભરત બોધરા, ધવલ દવે, ઉદય કાનગડ અને પ્રશાંત કોરાટના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. આ તમામ નેતાઓ સૌરાષ્ટ્રમાં સંગઠન ક્ષેત્રે કામ કરી ચૂક્યા છે.
જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અર્જુનસિંહ ચૌહાણ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ભરત ડાંગર અને ડો. રૂત્વિજ પટેલનાં નામની અટકળો ભાજપ વર્તુળોમાં જોરશોરથી ચાલી રહી છે.
અત્યાર સુધી ભાજપ સંગઠન અને સરકારમાં દક્ષિણ ગુજરાતનો દબદબો હતો પંરતુ નવી ટીમમાં દક્ષિણ કેટલું નેતૃત્વ મળે છે તે અગત્યું રહેશે. જોકે,દક્ષિણ ગુજરાતમાંથી વલસાડનાં સાંસદ દવલ પટેલ, ચોર્યાસીનાં ધારાસભ્ય સંદીપ દેસાઈ અને સુરત પશ્ચિમનાં ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીનું નામ ચર્ચામાં આવ્યું છે. આ ત્રણ નામો પૈકી કોઈ એકનો નવી ટીમમાં સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
પ્રદેશના માળખામાં ઝોન વાઈસ પ્રતિનિધત્વ આપવાની ફોર્મ્યુલા અપનાવવામાં આવે તો ઉત્તર ગુજરાતનાં ઝોનમાંથી મયંક નાયક અને હિતેશ પટેલનુ નામ ચર્ચામાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
આમ તો પ્રદેશ ભાજના સંગઠનનાં માળખામાં ચાર મહામંત્રી ઉપરાંત આઠ ઉપપ્રમુખ અને આઠ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના વચ્ચે સમગ્ર ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતને સરખે-સરખું પ્રતિનિધિત્વ આપવાની ફોર્મ્યુલા અપનાવી માળખાને ઝોન વાઈસ સંતુલિત કરવાનો પ્રયાસ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.