બિહાર ચૂંટણી: ઓળખ વગર મતદાન નહીં! બુરખા પહેરનારી મહિલા મતદારોની ઓળખ આ રીતે થશે, ચૂંટણી પંચે જાહેર કર્યા નિર્દેશો
બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં રાજ્યની 243 બેઠકોમાંથી 121 બેઠકો પર મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 122 બેઠકો પર મતદાન થશે. 2025 બિહાર ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સ્પષ્ટતા કરી હતી કે બુરખા પહેરેલી મહિલાઓને ચકાસણી પછી જ મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે.
ચૂંટણી પંચે એમ પણ કહ્યું હતું કે, જો જરૂરી હોય તો, બુરખા પહેરેલી મહિલાઓની તપાસ કરવામાં આવશે. બુરખા પહેરેલી મહિલાઓની ઓળખ કરવા માટે દરેક મતદાન મથક પર આંગણવાડી કાર્યકરો હાજર રહેશે. તેમણે જણાવ્યું હતું કે આ સંદર્ભમાં ચૂંટણી પંચનો સ્પષ્ટ આદેશ છે અને ધોરણોનું કડક પાલન કરવામાં આવશે. નોંધનીય છે કે બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલે શનિવારે આ સંદર્ભમાં ચૂંટણી પંચને વિનંતી કરી હતી.
બુરખા પહેરેલી મહિલાઓની ઓળખ કરવામાં આવશે. તેમણે માંગ કરી હતી કે મતદાન મથકો પર બુરખા પહેરતી મહિલાઓને તેમના મતદાર ઓળખ (EPIC) કાર્ડથી ઓળખવામાં આવે. જોકે, આ માંગણીનો અનેક રાજકીય પક્ષોએ વિરોધ કર્યો હતો, જેમાં રાષ્ટ્રીય જનતા દળે ભાજપ પ્રમુખની માંગણીની સખત નિંદા કરી હતી. દિલીપ જયસ્વાલે જણાવ્યું હતું કે, “અમે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે બુરખા પહેરેલી મહિલાઓ સહિત તમામ મતદારોના ચહેરા તેમના EPIC કાર્ડ સાથે મેચ કરવામાં આવે જેથી ફક્ત સાચા મતદારો જ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે.”RJD નેતા અભય કુશવાહાએ આનો વિરોધ કર્યો અને તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે.
અત્રે નોંધનીય છે કે ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની તારીખો જાહેર કરી છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કો 6 નવેમ્બરે અને બીજો તબક્કો 11 નવેમ્બરે યોજાશે. પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.