Bitter Gourd Farming: પરંપરાગત ખેતીમાંથી પ્રયોગશીલ ખેતી તરફનો સફળ પ્રવાસ
Bitter Gourd Farming: ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જુનાપાદર ગામના ખેડૂત તખતસિંહ મુળુભાએ જૂની પદ્ધતિઓને પાછળ છોડી નવી દિશામાં પગલાં ભરી રહ્યાં છે. તેઓ અગાઉ મગફળી અને કપાસ જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા, પરંતુ હવે તેઓ ટૂંકા સમયગાળામાં ઊંચી આવક આપતા શાકભાજી પાકોની તરફ વળ્યાં છે.
માત્ર 7મા ધોરણ સુધી ભણેલા ખેડૂતની અનોખી સફળતા
તખતસિંહએ 7મા ધોરણ પછી ખેતીમાં પ્રવેશ કર્યો હતો. શરૂઆતમાં પૂરતું વળતર ન મળતાં તેમણે અલગ વિચારી કારેલાનું વાવેતર શરૂ કર્યું. આજે તેઓ પોતાની બે વિઘા જમીનમાં હાઇબ્રીડ કારેલાનું ઉત્પાદન કરે છે અને માત્ર 120 દિવસમાં 1.60 લાખ રૂપિયા સુધીની કમાણી મેળવી રહ્યા છે.
મલ્ચિંગ અને મેડા પદ્ધતિથી ઝેરમુક્ત ઉત્પાદન
તખતસિંહ હાઇબ્રીડ કારેલાનું વાવેતર મલ્ચિંગ અને મેડા પદ્ધતિથી કરે છે. આ પદ્ધતિના કારણે પાકમાં નિંદામણ ઓછું થાય છે અને જીવાતથી પણ બચાવ થાય છે. પરિણામે, ઉત્પાદનનું પ્રમાણ વધે છે અને ગુણવત્તા પણ જળવાઈ રહે છે. તેઓનું બીજ તળાજા શહેરથી લાવવામાં આવ્યું હતું.
માત્ર 45 દિવસમાં શરૂઆત, અને બજારમાં મળે છે ઊંચો ભાવ
કારેલાનું પ્રથમ ઉત્પાદન માત્ર 45 દિવસમાં શરૂ થાય છે અને ત્યારબાદ 120 દિવસ સુધી સતત મળે છે. પ્રતિ કિલો ભાવ 55 થી 60 રૂપિયા સુધી મળે છે. આ ઉત્પાદન મહુવા, પાલિતાણા અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં વેચવામાં આવે છે, જ્યાં સારી માંગ સાથે યોગ્ય ભાવ પણ મળે છે.
નવા ખેડૂતોએ પણ અપનાવવાની છે આ મોડેલ ખેતી
તખતસિંહની આ સફળતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની છે. પરંપરાગત ખેતી કરતા સસ્તા ખર્ચમાં વધુ આવક આપતી અને ટૂંકા સમયગાળામાં આવક આપતી કારેલાની ખેતી હવે ખેડૂતો માટે નવો વિકલ્પ બની રહી છે.