ભાજપની બેઠકમાં સીઆર પાટીલે કહ્યું,‘આપણે જલ્દી બે વખત મળીશું’
રાજ્યમાં છેલ્લાં એક વર્ષથી મંત્રીમંડળના વિસ્તરણનું ભૂત ધૂણી રહ્યું છે પરંતુ મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા કરીને હવે ભાજપના ધારાસભ્યો પણ કંટાળી ગયા છે. જો કે, ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલી સંગઠન, સાંસદો અને ધારાસભ્યોની બેઠકમાં પ્રદેશ પ્રમુખે તાજેતરમાં નવા પ્રમુખની નિમણૂક અને મંત્રી મંડળમાં ફેરફાર થવાના સંકેત આપ્યા છે. સીઆર પાટીલે તેમના સંબોધનમાં કહ્યુ હતું કે, ‘આપણે જલ્દી બે વખત મળીશું’ પાટીલના આ સંકેતથી ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ફરીથી ચર્ચા શરૂ થઈ છે.
ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સંગઠનની બેઠક મળી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં મહામંત્રી રત્નાકર, રજની પટેલ, વિનોદ ચાવડા સહિતના પદાધિકારી, સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.કમલમ ખાતે મળેલી આ બેઠકમાં પ્રથમ વખત સંઘના અગ્રણી હાજર રહ્યા હતા. છજજ ના ગુજરાત પ્રાંત કાર્યવાહ શૈલેષ પટેલ બેઠકમાં જોવા મળ્યા હતા. પક્ષના સંગઠન, સાસદો અને ધારાસભ્યો સાથે છજજના હોદ્દેદાર હાજર રહેતાં ભાજપ સંગઠનમાં નવાજૂની થવાની શક્યતાઓ વધી ગઈ છે.
બેઠકમાં સી.આર.પાટીલે મંત્રીમંડળમાં ફેરફાર અંગે મોટા સંકેત આપ્યા હતા.
મંત્રીમંડળના વિસ્તરણ પહેલાં નવા પ્રદેશ પ્રમુખની વરણી થવાનો સંકેત આપ્યો હતો. ભાજપના એક નેતાએ નામ નહીં લખવાની શરતે જણાવ્યું હતું કે, પાટીલે સંબોધનમાં કહ્યું કે, જલદી આપણે બે વખત મળીશું. ટૂંક સમયમાં નવા પ્રદેશ પ્રમુખ આવશે તેવો ઈશારો કર્યો હતો.સંભવત: આગામી સપ્તાહમાં નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવી શક્યતા છે. પ્રદેશ ભાજપ પ્રમુખની વરણી થયા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થવાના સંકેતો આપ્યા હતા. તે માટે ભાજપના નેતાએ અને કાર્યકરોને ભગવાન ગણેશને પ્રાર્થના કરવાની ટકોર કરી હતી.
અહીં નોંધવું ઘટે કે, ભાજપના સંગઠનની સંરચના અંતર્ગત શહેર, તાલુકા અને જિલ્લાના પ્રમુખોની વરણી કરી દેવામાં આવી છે. જ્યારે નવા પ્રદેશ પ્રમુખની વરણી 8 માસથી વિલંબિત થઈ છે. ગુજરાત ભાજપ પ્રમુખની વરણી જાન્યુઆરી-2025માં થવાની હતી પરંતુ, જાતિ અને વિસ્તારના સમીકરણ પ્રમાણે ભાજપને યોગ્ય પ્રદેશ પ્રમુખ નહીં મળતાં કોકડું ગૂંચવાયુ છે. ગુજરાતના રાજકારણમાં અમિત શાહ અને આનંદીબેન પટેલની મહત્ત્વની ભૂમિકા રહી છે. તેવા સમયે સર્વસામાન્ય નેતાની પસંદગી કરવી અઘરી સાબિત થઈ રહી છે. તેવામાં છજજ એ પણ રાષ્ટ્રીય પ્રમુખની સાથે ગુજરાતમાં પણ પોતાની વિચારધારાવાળા વ્યક્તિની પસંદગી માટે હઠાગ્રહ રાખ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
હાલમાં મુખ્યમંત્રી મધ્ય ગુજરાત અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી હોવાથી હવે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી અથવા ક્ષત્રિય સમાજના પ્રદેશ પ્રમુખની પસંદગી થવાની શક્યતા છે. તેવા સમયે જાતિગત સમીકરણ અને વિસ્તારનું સમીકરણ સાચવવા પક્ષમાં ગડમથલ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે.
તેઓ નિકોલમાં રોડ શો અને જાહેર સભા કર્યા બાદ રાજભવનમાં રોકાણ કરવાના છે. રાજભવનમાં તેઓ કોની સાથે મુલાકાત કરે છે તેના ઉપર ભાજપના નેતાઓ અને કાર્યકરોની મીટ મંડાઈ છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખના નામ ઉપર મહોર વાગે તેવી સંભાવનાએ આગામી સપ્તાહે જાહેરાત થવાની શક્યતા છે.
તો બીજી બાજુ, ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત 18નું મંત્રીમંડળ છે ત્યારે વિધાનસભાની 182 બેઠકના 15 ટકા પ્રમાણે હજુ 10 મંત્રીનો સમાવેશ થઈ શકે તેમ છે. ભાજપના આંતરિક સૂત્રોના મતે નબળા પરફોર્મન્સવાળા મંત્રીઓને છૂટા કરી નવા ચહેરાને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અર્જૂન મોઢવાડિયા અને સી.જે. ચાવડાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરાય તેવી સંભાવના છે. ભાજપના સૂત્રોના મતે, કેટલાંક મંત્રીઓને પડતા મૂકી નવા ચહેરાનો સમાવેશ કરાશે અને મંત્રીમંડળમાં વિસ્તાર તેમજ જાતિ સમીકરણનું બેલેન્સ કરવામાં આવશે.