ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દોઢ વર્ષ પહેલાં ગજરાતની આખી મુખ્યમંત્રી સહિતની આખીય કેબિનેટને ઘરે બેસાડી દેવામાં આવી અને ભાજપે મોટાપાયા પર નેતૃત્વ પરિવર્તન કરી નાંખ્યું. કોઈએ ચૂં કે ચાં સુદ્વાં કરી નથી એ ભાજપના શિર્ષ નેતૃત્વની સફળતા જ ગણવાની રહે છે. ભાજપમાં આંતરિક અસંતોષ તો ભભૂકી રહ્યો છે, મુદ્દો એટલો છે કે ભાજપના અસંતુષ્ટ નેતાઓ જાહેરમાં લૂગડા ઉતારવાની રમત રમતા નથી. ઘરનો કલહ ઘરમાં નિપટાવી દેવામાં આવે છે.
ગુજરાત ભાજપની વાત કરીએ ભૂતપૂર્વ બની ગયેલા નેતાઓને વિધાનસભાની ચૂંટણી સુધી સંપૂર્ણપણે સાચવી લેવામાં આવશે, વિધાનસભાની ચૂંટણી બાદ હાલ ભૂતપૂર્વ બનેલા નેતાઓનું રાજકીય ભાવિ શું હશે તે કહેવું અત્યારે મુશ્કેલ છે. એ તો આવનાર સમય જ બતાવશે કે કોણ ક્યાં છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી રાજકોટમાં રહીને સામાજિક કાર્યક્રમો ઉપરાંત પાર્ટીના કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન રાજકોટના સાંસદ અને તેમની વચ્ચે સ્ટેજ પર શાબ્દીક ટપાટપીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ફેમિલી ઉપરાંત કાર્યકરો સાથે વિજય રુપાણીનો સમય પસાર થઈ રહ્યો છે. મહત્વની વાત એ છે કે ભૂપેન્દ્ર પટેલની સોગંધવિધિ સિવાય બન્ને અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ એક સાથે જોવા મળ્યા નથી.
પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ પોતાના મત વિસ્તાર ઉપરાંત ગાંધીનગરમાં જે તે પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહ્યા છે. તાજેતરમાં તેઓ ઉમિયાધામના કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. નીતિન પટેલ ભાજપ અને સરકારમાં પોતાની વાતને આજે પણ મજબૂતીથી રાખનારા નેતા છે.
અન્ય મંત્રીઓ મત વિસ્તાર પુરતા મર્યાદિત થઈ ગયા છે. પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પોતાના મત વિસ્તાર અસારવા-વટવા (અમદાવાદ)માં સક્રીય છે. ભાજપના નવા સંગઠનમાં તેમની શું ભૂમિકા હશે તે આવનાર સમય જ કહેશે. આ ઉપરાંત આરસી ફળદુ, સૌરભ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા. ગણપત વસાવા વગેરે સક્રીય તો છે પણ પહેલા જેવો ધમધમાટ જોવા મળી રહ્યો નથી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આમ તો વડાપ્રધાન મોદીના નામે જ ગુજરાતમાં લડાશે. વડાપ્રધાન ગુજરાતી છે અને મુખ્યમંત્રી કરતાં વડાપ્રધાનને જ ભાજપ ગુજરાતમાં ઈલેક્શન ફેસ બનાવશે એમાં કોઈ બેમત નથી. વડાપ્રધાન ગુજરાતી છે અને ગુજરાત માટે આ ગૌરવ છે એ વાત સાથે મોદી સરકારની કામગીરી ઉપરાંત ગુજરાત સરકારની કામગીરીને લોકો સુધી લઈ જઈને ચૂંટણી પ્રચાર કરાશે એવી રાજકીય ચર્ચા ચાલી રહી છે.