Black Sesame Crop Loss: ત્રણ ગામના ખેડૂતોએ માંગ્યો તાત્કાલિક સર્વે અને સહાય
Black Sesame Crop Loss: વિજાપુર તાલુકાના ટેચાવા, ડેરિયા અને રણસીપુર ગામના ખેડૂતો માટે આ વર્ષે ચોમાસું આશાનું નહીં, પણ આશા વિહોણું સાબિત થયું. તાજેતરમાં પડેલા અતિવૃષ્ટિના કારણે આ ત્રણેય ગામના લગભગ 700 વીઘા વિસ્તારમાં વાવેલા કાળા તલના પાકમાં નુકસાન થયું છે. ખેડૂતોએ ખૂબજ મહેનતપૂર્વક કરેલું વાવેતર હવે જમીનમાં જ નાશ પામતું જોવા મળ્યું છે.
જીવાત અને ભેજના લીધે પાક બળી ગયો
ખેડૂત પટેલ જગદીશભાઈએ જણાવ્યું કે, “તલની વાવણી ફેબ્રુઆરી મહિનામાં શરૂ કરી મેમાં પૂરું વાવેતર કર્યું. પણ, ચાલુ વર્ષે વરસાદ ખૂબ વહેલો અને સતત પડ્યો.” જેના પરિણામે તલના છોડમાં જીવાતનો ઉપદ્રવ વધ્યો અને આખો પાક બળી ગયો.
નિકાસયોગ્ય પાક પણ ન બચી શક્યો
વિજાપુરના આ ગામોમાં તલની ખેતી છેલ્લા કેટલાંક વર્ષોથી વધતી ગઈ છે. દક્ષિણ કોરિયા સહિત ઘણા દેશોમાં કાળા તલની ઊંચી માંગ હોવાથી ખેડૂતો આ પાકને નિકાસ માટે તૈયાર કરતાં હતાં. વર્ષ 2025માં પણ ખાસ તક હતી — રાજકોટ માર્કેટમાં 20 કિલો તલના ભાવ ₹3500 થી ₹4000 સુધી પહોંચેલા હતા. છતાં, પાકનો મોટો ભાગ નાશ પામવાથી હવે તો ખેડૂતો પોતાની ઘરવાપસી માટે પણ તલ બચાવી શક્યા નથી.
અંદાજે 2-3 કરોડ રૂપિયાની નુકસાની
ખેડૂતોએ અંદાજિત કર્યું છે કે ટેચાવા, ડેરિયા અને રણસીપુરના ખેડૂતોને કુલ 2 થી 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે હવે તેમની માત્ર એક જ માંગ છે કે, “રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરી સહાય જાહેર કરે.”
પાક વીમા અને સહાય વિષે આશા
હાલ રાજ્ય સરકારે પાક વીમા અને કૃષિ સહાય યોજનાઓ અમલમાં મૂકી છે, પણ ખેડૂતોનું કહેવું છે કે આવા સંજોગોમાં સરકારી તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી ન્યાયમૂળક વળતર આપવું જોઈએ. જેથી તેઓ ફરીથી ચોમાસું વાવેતર કરી શકે.