નિરોણા ડેમના ઓગનમાં આવેલા ખારો ધોમાંથી કાટુંબિક ભાઈ-બહેનના મૃતદેહો પાણીમાં ડૂબેલા મળ્યા
નખત્રાણા તાલુકાના નિરોણા ડેમના ઓગનમાં આવેલા ખારો ધ્રોમાંથી ઓરિરા ગામના બે મામા-ફઈના સંતાનો એવા સગીર બહેન તથા યુવાન ભાઈના મૃતદેહો મળી આવતાં ચકચાર મચી હતી. આ મામલે નિરોણા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતાં પોલીસે હાલમાં અકસ્માતે મોતની નોંધ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.
બંન્ને માતાના મઢ ગયા હોવાનું સમજીને પરિવારજનો શોધખોળ કરતા હતા
પાયલ કમલેશ કોલી (ઉ.વ.૧૫) તેમજ તેની ફઈનો પુત્ર વાલજી રમેશ કોલી (ઉ.વ.૧૯) બંન્ને શનિવારે સાંજથી ગુમ થઇ ગયા હતા. જોકે બંન્ને જણા માતાના મઢ પદયાત્રાએ ગયા હોવાનું સમજીને પરિવારજનો તે બંન્નેની ચારેબાજુ શોધખોળ કરી રહ્યા હતા. આ દરમ્યાન સોમવારે સાંજે ૪ વાગ્યાના અરસામાં બિબર ગામની સીમમાં નિરોણા ડેમના ઓગનમાં આવેલા ખારો ધ્રોના પાણીમાં બંન્નેના મૃતદેહો ડૂબેલી હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસે ભુજની હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી
ખારો ધ્રોના પાણીમાંથી બંન્નેના મૃતદેહો મળી આવતાં તાત્કાલિક ધોરણે નિરોણા પોલીસને જાણ કરવામાં આવી હતી. તેથી પોલીસ પણ તુરંત ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને બંન્નેના મૃતદેહોને બહાર કાઢીને તરત જ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. હાલમાં નિરોણા પોલીસે અકસ્માતે મોતની નોંધ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.