કેન્દ્ર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ કાયદાઓ સામે કેરળમાં પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. કૃષિ કાયદાઓ વિરુદ્ધ ઠરાવ પસાર કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે. સોમવારે મળેલી કેબિનેટની બેઠકમાં બુધવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીપીઆઈ (એમ)ના નેતૃત્વવાળા લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) અને કોંગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.
કેબિનેટના નિર્ણયની પુષ્ટિ કરતા કેરળના નાણામંત્રી થોમસ ઇસાકે જણાવ્યું હતું કે, “કેરળના મંત્રીમંડળે વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવા અને રદ કરવા માટે નિર્ધારિત બજેટ સત્ર પહેલા 23 ડિસેમ્બરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો છે. કેરળ સરકાર સંઘર્ષ કરી રહેલા ખેડૂતો સાથે એકજૂથ થઈ રહી છે.
જણાવી દઈએ કે મંત્રીમંડળ રાજ્યપાલને વિશેષ સભા બોલાવવાની ભલામણ કરશે. ટૂંકા ગાળાનું વિધાનસભા સત્ર માત્ર કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવા પૂરતું મર્યાદિત રહેશે અને કેરળ વિધાનસભાનું સંપૂર્ણ બજેટ સત્ર 8 જાન્યુઆરીથી થશે.