ગુજરાતમાં ધોરણ-12ની બોર્ડ પરીક્ષા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ મહત્વની જાહેરાત કરી છે. ધોરણ-12ની પરીક્ષાઓ હાલની પદ્ધતિ પ્રમાણે લેવામાં આવશે, 1 જુલાઈથી શરૂ થશે પરિક્ષા. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 12ની પરીક્ષાને લઇને નિવેદન આપતા જણાવ્યું કે, ‘ધોરણ 12ની પરીક્ષા હાલની પદ્ધતિ પ્રમાણે લેવાશે. ધોરણ 12ના 1 લાખ 40 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 1લી જુલાઇથી લેવાશે. કુલ 6 લાખ 83 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.’
ધો.12ના વિદ્યાર્થીઓએ હવે પરીક્ષાની તૈયારીમાં લાગી જવું પડશે કેમકે બરાબર 35 દિવસ પછી એટલે કે 1 જુલાઇથી ધો.12ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ યોજાશે તેવી જાહેરાત શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી છે 3 કલાકના સમયગાળા મુજબ આ પરીક્ષા યોજાશે. જેમાં કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને એક વર્ગ ખંડમાં કુલ 20 વિદ્યાર્થીઓ જ બેસીને પરીક્ષા આપશે તેવી જાહેરાત કરાઇ છે. આ સાથે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા કુલ 2 તબક્કામાં યોજાશે. સૌથી મહત્વની જાહેરાત એ કરાઇ છેકે વિદ્યાર્થીઓને તેમના રહેણાંકથી જ નજીકનું પરીક્ષા કેન્દ્ર આવે તેવી વ્યવસ્થા ગોઠવવાની વાત કરાઇ છે. તો આ પરીક્ષાની તારીખો દરમિયાન જો કોઇ વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થાય તો તે વિદ્યાર્થી સ્વસ્થ થઇને 25 દિવસ બાદ પરીક્ષા આપી શકશે. તો ધો.12ની જેમ જ ધો.10ના રિપીટર વિદ્યાર્થીઓ માટે પણ આવી જ રીતની પરીક્ષાની વ્યવસ્થા ગોઠવાઇ છે.
વધુમાં જણાવ્યું કે, ‘વિજ્ઞાન પ્રવાહમાં ભાગ-1 50 ગુણની બહુવિક્લ્પીય OMR પદ્ધતિથી પરીક્ષા લેવાશે. 1 લી જુલાઇએ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીઓને ઘરની નજીક પરીક્ષા કેન્દ્ર મળે તેવું આયોજન કરીશું. પરીક્ષાનો સમય ત્રણ કલાકનો રહેશે.’
મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા.૧/૭/ર૦ર૧, ગુરૂવારથી યોજાશે. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-૧રની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે વિશદ ચર્ચા-વિચારણા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.