ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહયા છે ત્યારે તલાટી ફરજ દરમ્યાન દારૂ પીતા હોવાનો વિડીયો સામે આવ્યો છે.મહીસાગર જિલ્લાની ડેભારી ગ્રામ પંચાયતની કચેરીમાં તલાટી સહિત 5 લોકોએ દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થતાં તપાસ શરૂ કરવામાં આવી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ દારૂ મહેફિલનો વીડિયો સાચો છે. અમે કામ માટે જઇએ તો તલાટી સાહેબ દારૂની બોટલો માંગે છે. અમારી માંગણી છે કે, આ તલાટીને બદલે અમને સારો તલાટી આપો. જેથી અમારા વિકાસના કામ થઇ શકે.
મહીસાગરના ડેભારી ગામના તલાટી રમેશ ચૌહાણ દારૂની મહેફિલ માણતા મોબાઇલમાં કેદ થયા છે. તલાટી કર્મીએ દારૂ પાર્ટી કરીને દારૂબંઘીમાં પણ દારૂ મળતો હોવાની વાત સાબિત કરી છે.
તલાટી ગ્રામ પંચાયત ઓફિસમાં આવીને પગ પર પગ ચઢાવીને દારૂની મહેફિલ માણી રહ્યા છે.
દારૂની ખાલી બોટલો અને બિયરના ખાલી ટીન પણ જોવા મળી રહયા છે,
વાઈરલ થઈ રહેલા વીડિયોમાં દેખાતા ડેભારી ગ્રામ પંચાયતના તલાટી અને અન્ય ચાર વ્યક્તિઓ છે. જે દારૂ બંધીના લીરેલીરા ઉડાવીને દારૂની પાર્ટી કરતાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે અને ગ્રામ પંચાયતની આસપાસ દારૂની ખાલી બોટલ તેમજ બિયરના ખાલી ટીન નો ઢગલો જોઈ સહેજેય ખ્યાલ આવે છે કે અહીં દારૂ સામાન્ય વાત છે જેઓ દારૂ પીને કેવી રીતે કામ કરતા હશે તે પણ એક સવાલ છે.
વીરપુર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને તલાટી રમેશ ચૌહાણનું સેમ્પલ લઇ લેબમાં પરીક્ષણ માટે મોકલ્યુ છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામા આવશે તેમ મનાઈ રહ્યું છે.