ફળોનો રાજા કેરી ને કેરીનો રાજા કેસર. મહારાષ્ટ્રની હાફુસ કેરી ઘણી પ્રચલિત હોવા છતાં ગુજરાતીઓની પહેલી પસંદ કેસર કેરી હોય છે. આમ તો ઘણી માર્કેટ્માં કેરી આવી ગઈ છે, પણ તેના ભાવ એટલા ઊંચા હોય છે કે ખૂબ જ નાનો વર્ગ આની મજા માણી શકે છે. આથી હવે સત્તાવાર રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેરીની શરૂઆત થઈ ગઈ છે અને બોલીમાં ખેડૂતોને સારા ભાવ મળતા તેઓ ખુશ છે.
ગુજરાતભરમાં પ્રથમ દિવસે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું સૌથી વધુ માલ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે બોક્સના 2100 રૂ. સુધીનો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
આ વર્ષે માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી મીઠી કેસર કેરીનું આગમન 18થી 20 દિવસ વહેલુ જોવા મળ્યું છે. બજારમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેસર કેરીના સ્વાદ પ્રેમીઓનો કેરીના આગમનને લઈને આતુરતાનો અંત આવ્યો છે.
ગોંડલ ફ્રુટ માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે ઉનાના જસાધાર અને બાબરીયાની કેસર કેરીના 190 બોક્સની આવક થઈ હતી. આ સાથે જ પ્રથમ દિવસે કેસર કેરીની હરાજીમાં 10 કિલો કેરીના બોક્સના ભાવ રૂપિયા 1800/-થી 2100/-સુધીના બોલાયા હતા. પ્રથમ દિવસે જ કેસર કેરીના ખેડૂતોને શુકનના ભાવ રૂપિયા 2100/-બોલાતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ હતી.
આ સાથે સૌરાષ્ટ્રમાં આવેલા માવઠાની અસર ગીર સોમનાથ, તાલાળા વગેરે જગ્યાએ લગભગ નહીંવતૂ જોવા મળી હતી. જેથી પણ ખેડૂતોએ રાહત અનુભવી હતી. ખેડૂતો અને ગ્રાહકો બન્ને માટે આ સારા સમાચાર છે કે કેરીનો પાક વધારે હશે તો ખેડૂતો સારું કમાઈ શકશે અને ગ્રાહકોને પરવડે તેવા ભાવે કેરી મળશે.